સપ્તાહમાં બીમારીની ૫૧,૦૦૦ રજાઓ લેતા ઈંગ્લેન્ડના શિક્ષકો

Thursday 17th January 2019 04:24 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં શિક્ષકોએ બીમારીના કારણે સપ્તાહમાં ૫૧,૦૦૦ રજા લીધી હોવાનો અંદાજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (DfE) દ્વારા જાહેર કરાયો છે. ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓએ શિક્ષકોની બીમારીના કારણે બે મિલિયનથી વધુ દિવસો ગુમાવ્યા હતા, જે શાળાકીય વર્ષના સપ્તાહ દરમિયાન ૫૧,૦૦૦ થવા જાય છે. DfE ના અંદાજ અનુસાર શાળાઓએ તેની કિંમત ૭૫ મિલિયન પાઉન્ડ જેટલી ચુકવવી પડે છે. બીમારીના કારણે ગુમાવાતા દિવસોનો લાભ લઈ સપ્લાય એજન્સીઓ શાળાઓનું શોષણ કરતી હોવાનો આક્ષેપ લગાવાયો છે. નેશનલ એજ્યુકેશન યુનિયને (NEU) નાણાકીય સંઘર્ષ કરી રહેલી શાળાઓ પાસેથી શિક્ષકો પૂરા પાડવા ભારે ફી વસૂલ કરતી સપ્લાય એજન્સીઓને અટકાવવાના પગલાં લેવા જણાવ્યું છે.

શાળાઓએ શિક્ષકોની બીમારીના કારણે બે મિલિયનથી વધુ દિવસો ગુમાવ્યા હતા. જો શાળા આવા દરેક દિવસને સપ્લાય કે અવેજી શિક્ષક દ્વારા આવરી લે તો રોજના સરેરાશ ૧૨૪ પાઉન્ડના દરે તેમને વર્ષે લગભગ ૨૫૦ મિલિયન પાઉન્ડ ચુકવવાના થાય. આ રકમમાં સપ્લાય એજન્સીઓ દ્વારા ચાર્જ કરાતી અન્ય રકમોનો સમાવેશ થતો નથી. નેશનલ યુનિયન ઓફ ટીચર્સ દ્વારા જણાવાયું હતું કે કેટલીક એજન્સીઓ દિવસના ૧૦૦ પાઉન્ડ સુધી ચાર્જ લગાવે છે. નેશનલ એજ્યુકેશન યુનિયનના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી એન્ડ્રયુ મોરિસે જણાવ્યું હતું કે એજન્સીઓ દર વર્ષે શાળાઓ પાસેથી લાખો પાઉન્ડ મેળવે છે પરંતુ, શિક્ષકોને નજીવી રકમ જ ચુકવે છે.

NEUના સર્વે મુજબ દેશમાં ૨૦૧૦માં દેશમાં સપ્લાય એજન્સી દ્વારા ૫૦ ટકા શિક્ષકો કામ કરતા હતા, જેની સરખામણીએ હાલ આ સંખ્યા ૮૧ ટકા શિક્ષકોની છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૨ ટકા શાળાએ સ્ટાફ વેકેન્સી રિપોર્ટ કરવા સામે ૩૦૪૬ સ્થાન કામચલાઉ રીતે ભરાયા હતા. સપ્લાય ટીચર્સને એક અને ત્રણ ટર્મના કોન્ટ્રાક્ટ પીરિયડ માટે પણ શાળામાં કામચલાઉ પોઝિશન સંભાળવા જણાવાય છે. જો શાળા હંગામી શિક્ષકને કાયમી બનાવવા માગતી હોય તો તેમણે એજન્સીને ચોક્કસ ફી ચૂકવવી પડે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter