સમાજની મદદે ૯૦ વર્ષના નારણભાઈ

લેસ્ટરના આ વડીલ હિન્દુ સમાજને નિઃશુલ્ક અંતિમ સંસ્કાર સેવા પૂરી પાડે છે

Wednesday 02nd September 2020 07:17 EDT
 
 

લેસ્ટરઃ ઘણા લોકોને વયના સીમાડા નડતા નથી કારણ કે તેમના માટે વય એક આંકડો માત્ર હોય છે. લેસ્ટરના ૯૦ વર્ષીય નારણદાસ આડતિયાને આ એકદમ લાગુ પડે છે. ગુજરાતી કોમ્યુનિટીમાં ‘બાપુજી’ તરીકે પણ ઓળખાતા નારણભાઈ ૩૦ કરતાં વધુ વર્ષથી ફ્યુનરલ્સ સમયે અંતિમ પ્રાર્થનાઓ અને વિધિઓની સેવા નિઃશુલ્ક કરાવતા રહ્યા છે. કોરોના મહામારીમાં વૃદ્ધાવસ્થાના લીધે ‘શિલ્ડ’ હેઠળ મૂકાયેલા નારણભાઈએ હિન્દુ પરિવારોને વર્ચ્યુઅલ ફ્યુનરલ સર્વિસીસ આપવામાં જરા પણ પાછા પડ્યા નથી. તેઓ વીડિયો કોમ્યુનિકેશન્સ પ્લેટફોર્મ ‘ઝૂમ’ મારફત આ સેવા આપતા રહે છે.
સ્નેહીજનની અંતિમવિધિમાં લોકોની હાજરી પર નિયંત્રણો હોય ત્યારે વિદાય વધુ મુશ્કેલ અને પડકારજનક બની રહે છે. આવા સમયે નારણભાઈ હિન્દુ સ્મશાનગૃહમાં અગાઉથી રેકોર્ડ કરાયેલા વિધિવિધાન અને ક્રિયાકાંડની સમજ આપવા ઉપરાંત, અંતિમ સંસ્કાર અગાઉની વિધિઓ અને પ્રાર્થનાની ઓનલાઈન નિઃશુલ્ક સેવા આપે છે. ગુજરાતી સમુદાયના સભ્યોના કહેવા અનુસાર નારણભાઈ કોઇ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર હિન્દુ સમાજના તમામ સભ્યોને આ સેવા પૂરી પાડે છે.

મદદનો આ જ સાચો સમય

કોરોના મહામારીના કારણે નારણભાઈએ કવચ હેઠળ રહેવું પડ્યું પરંતુ, તેમને સમજાયું કે અગાઉ કરતાં પણ વર્તમાન સમયમાં સમાજને મદદ કરવાની વધારે જરુર છે. કોઈ પણ વળતર કે બદલાની આશા વિના નારણભાઈએ પોતાના પરિવારના સપોર્ટ સાથે હિન્દુ અંતિમ સંસ્કાર વિધિનું ઓડિયો વર્ઝન તૈયાર કર્યું છે.
લેસ્ટરના ચાર મુખ્ય સ્મશાનગૃહ - લેસ્ટરના ગ્રોબી રોડસ્થિત ગિલરોસ ક્રીમેટોરિયમ, કાઉન્ટેસથોર્પના ફોસ્ટન રોડ પરનું સાઉથ લેસ્ટરશાયર ક્રીમેટોરિયમ, ગ્રેટ ગ્લેનના લંડન રોડ પરના ગ્રેટ ગ્લેન ક્રીમેટોરિયમ અને લફબરોના લેસ્ટર રોડ પરના લફબરો ક્રીમેટોરિયમમાંથી નિઃશુલ્ક મળી શકે છે.

ત્રણ દસકા પૂર્વે પ્રારંભ

૩૦ વર્ષ અગાઉ, નારણભાઈના સસરાનું મૃત્યુ થયું ત્યારથી તેમણે લોકો માટે મફત પ્રાર્થના અને ક્રિયાકર્મ કરવાની શરુઆત કરી હતી. ૧૯૯૫માં તેમના પત્નીના અવસાન પછી તો તેમને ફ્યુનરલ સેવાકાર્ય આગળ વધારવાની પ્રેરણા મળી હતી. મૌખિક વાતો દ્વારા તેઓ ગુજરાતી સમુદાયમાં વધુ જાણીતા થતા ગયા અને અંતિમ સંસ્કારમાં તેમની સેવા માટેની વિનંતીઓ વધતી ગઈ. ઘણી વખત તો તેઓ સપ્તાહમાં અનેક શોકસભાની પ્રાર્થનાઓ અને ફ્યુનરલ્સમાં સેવા આપતા હતા.
ઈસ્ટ આફ્રિકામાં નવ વર્ષની વયે તેમણે માતાને ગુમાવ્યા પછી ભાઈ-બહેનોની જવાબદારી તેમના શિરે આવી હતી. તેમણે પિતાને બિઝનેસમાં મદદ કરવા માંડી હતી. સારા જીવનની શોધમાં તેઓ એક સ્થળેથી બીજા સ્થળે રહેવા જતા હતા. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કાર વેચવાનું ચાલુ કરી ફોર્ડ મોટર કંપનીની ફ્રેન્ચાઈઝી પણ મેળવી હતી. આફ્રિકામાં મુશ્કેલીઓ સર્જાતા તેઓ ભારે ખોટ સાથે બધું વેચીસાટી યુકે આવ્યા હતા. તેમણે ૧૯૭૬માં લેસ્ટર આવ્યા પછી પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો. તેઓ લોહાણા મહાજન, રામ મંદિર અને સંસ્કાર રેડિયો સાથે સંકળાયેલા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter