લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં અલગ થઈ રહેલા દંપતીઓએ મધ્યસ્થી કે સમાધાનના પૂરતા પ્રયાસો કરવા પડશે અન્યથા જજીસને વધુ સત્તાની નવી દરખાસ્તો હેઠળ તેમણે દંડનો સામનો કરવો પડશે. અલગ થતા દંપતીએ ક્વોલિફાઈડ મેડિએટર મારફત તેમના બાળકોની કસ્ટડી અને નાણાકીય વ્યવસ્થાની સહમતિના પ્રયાસો કરવાના રહેશે અને આખરી પગલાં તરીકે જ કોર્ટની કાર્યવાહીમાં આગળ વધવાનું રહેશે.
જસ્ટિસ સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે બાળકોને સંરક્ષણ અને બેકલોગ ઘટાડવાના હેતુસર આ દરખાસ્તો લવાઈ છે જેની હેઠળ જજીસને પેરન્ટ્સ સમાધાનના વાજબી પ્રયાસો કરે તે માટેની સત્તા મળશે. જો પેરન્ટ્સ કોર્ટની કાર્યવાહીને લંબાવવા ગેરવાજબી વર્તન કરશે અને બાળકોનાં કલ્યાણને નુકસાન પહોંચાડશે તો નાણાકીય પેનલ્ટીઝનો સામનો કરવો પડશે.
મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ ફેરફારથી અલગ થઈ રહેલા 19,000 દંપતી કોર્ટરૂમની બહાર પોતાના મતભેદનો ઉકેલ લાવી શકશે અને દર વર્ષે આશરે 36,000 પરિવારો ઝ઼ડપી સુનાવણીઓ અને ત્વરિત ચુકાદાઓથી લાભ મેળવી શકશે. આ યોજના હળવા પ્રકારના ફેમિલી કોર્ટ કેસીસમાં જ લાગુ કરાશે તેમજ આક્ષેપો અને ઘરેલુ હિંસાના ઈતિહાસ સાથેના કેસીસનો તેમાં સમાવેશ નહિ કરાય. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લાગુ કરાનારી આ દરખાસ્તો 12 સપ્તાહના સરકારી કન્સલ્ટેશનને આધીન રહેશે જે 15 જૂને પૂર્ણ થશે.


