લંડનઃ સર અનવર પરવેઝ OBE H Pkને 2025ની 20 જૂને રોયલ એસ્કોટ રેસીસ ખાતે રોયલ બોક્સમાં શાહી દંપતી સાથે ચા પીવા સામેલ થવાના આમંત્રણનું સન્માન પ્રાપ્ત થયું હતું. આ આમંત્રણ સર અનવરની 90મી વર્ષગાંઠની ઊજવણીના હિસ્સારુપ હતું. કિંગ ચાર્લ્સે બેસ્ટવેના સ્થાપક સર અનવરને 90મી વર્ષગાંઠે સન્માનિત કરી તેમની 60 વર્ષની કારકિર્દીમાં બ્રિટિશ સમાજને આપેલા યોગદાનની કદર કરી હતી.
સર અનવર 1956માં પાકિસ્તાનથી યુકેમાં આવ્યા હતા. તેમણે 1963માં પ્રથમ રિટેઈલ સ્ટોર ઉભો કર્યો અને 1976માં બેસ્ટવેની સ્થાપના કરી હતી. સર અનવર દ્વારા 1987માં સ્થાપિત ચેરિટેબલ ટ્રસ્ટ ધ બેસ્ટવે ફાઉન્ડેશન રોયલ ચેરિટીઝ – ધ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ, ધ ડ્યૂક ઓફ એડિનબરા એવોર્ડ્ઝ, પાકિસ્તાન રિકવરી ફંડ અને પ્રિન્સસ ટ્રસ્ટ સાથે લાંબા સમયથી સંકળાયેલું છે. આજ સુધી બેસ્ટવે ફાઉન્ડેશને યુકેમાં સખાવતી ઉદ્દેશો, શાળાઓ, યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો માટે 44 મિલિયન પાઉન્ડથી વધુ દાન કર્યું છે. બેસ્ટવે ગ્રૂપ દર વર્ષે રોયલ એસ્કોટ ખાતે ચેરિટી રેસ ડેનું આયોજન કરે છે. આ વર્ષે મુખ્ય લાભાર્થી ચેરિટી બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT) છે, જેની સ્થાપના કિંગ ચાર્લ્સ તૃતીયે 2007માં કરી હતી. ડાયસ્પોરાના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા BAT સાઉથ એશિયામાં ઉચ્ચ ગુણવત્તાસભર પ્રોગ્રામ્સ પરિપૂર્ણ કરે છે. આ ચેરિટી સાઉથ એશિયન ડાયસ્પોરાના સપોર્ટ સાથે સાઉથ એશિયાના વંચિત લોકોની ક્ષમતાઓ ઉજાગર કરીને ગરીબીનિવારણ કાર્ય સાથે સંકળાયેલી છે.