સર ફિલિપ ગ્રીન વિવાદમાંઃ સેક્સ્યુઅલ અને વર્ણભેદી વ્યવહારના આક્ષેપો

Saturday 27th October 2018 07:01 EDT
 
 

લંડનઃ બિલિયોનેર બિઝનેસ ટાયકૂન સર ફિલિપ ગ્રીન ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. ‘બ્રિટિશ #MeToo સ્કેન્ડલ’ને પુનઃ જગાવી શકે તેવી ઘટનામાં પૂર્વ કર્મચારીઓ સામે ધાકધમકી, સેક્સ્યુઅલ અને વર્ણભેદી વ્યવહારના આક્ષેપો સંદર્ભે બિઝનેસમેનનું નામ પ્રકાશિત નહિ કરવા ધ ટેલિગ્રાફ અખબાર સામે કોર્ટ ઓફ અપીલ દ્વારા વચગાળાનો મનાઈહુકમ અપાયો હતો. જોકે, પાર્લામેન્ટમાં નોર્ધર્ન આયર્લેન્ડ માટે પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ પીટર હેઈને જાહેર હિતને આગળ ધરી હાઉસ ઓફ લોર્ડ્સમાં આક્ષેપો હેઠળની વ્યક્તિ સર ફિલિપ ગ્રીન હોવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ, સર ફિલિપ ગ્રીને એક નિવેદન જારી કરી પોતાની સામેના આક્ષેપો ફગાવી દીધા હતા. સર ગ્રીનનું નાઈટહૂડ પાછું ખેંચી લેવાની હિમાયત પણ થઈ રહી છે.

સર ગ્રીને નિવેદનમાં કહ્યું હતું કે હું ગેરકાયદે સેક્સ્યુઅલ અને વર્ણભેદી વર્તનનો અપરાધી હોવાનું કહેવાય છે, જે તદ્દન ખોટું છે. તેમણે જણાવ્યું હતું કે અર્કાડિયા અને હું કર્મચારીઓ દ્વારા આક્ષેપો અને ફરિયાદોને ભારે ગંભીરતાથી લઈએ છીએ. આવું કાંઈ થાય તો તેની સમગ્રતયા તપાસ કરવામાં આવે છે. દરમિયાન, સર ફિલિપ ગ્રીનના અર્કાડિયા ગ્રૂપની મહિલા કર્મચારીઓ સાથે તેમના ધાકધમકીપૂર્ણ ખરાબ વ્યવહાર અને સેક્સ્યુઅલ કનડગતના મામલાઓને દબાવી દેવા માટે તેઓને સાત આંકડાની મોટી રકમ આપી મૌન ખરીદાયું હોવાના દાવા કરવામાં આવ્યાના અહેવાલ ધ ગાર્ડિયન અખબારે પ્રસિદ્ધ કર્યા છે. આવા ઓછામાં ઓછાં સાત કેસ હોવાનો દાવો આંતરિક સૂત્રોએ કર્યો હતો.

બિઝનેસમેનમેન સર ગ્રીન દ્વારા ભારે ટીકાનો સામનો કરી રહેલા લેબર પાર્ટીના ઉમરાવ પીટર હેઈને કહ્યું છે કે માનવ અધિકાર માટે ઉભા થવા માટે તેઓ પોતાના નિવેદનમાંથી જરા પણ પીછેહઠ કરશે નહિ કે માફી પણ માગશે નહિ. તેમના હસ્તક્ષેપ સાથે અસંમત થનારા ધારાશાસ્ત્રીઓના મતને તેઓ માન આપે છે છતાં, રીટેઈલ ટાઈકૂનનું નામ જાહેર કરવાના નિર્ણયને વળગી રહેશે. ગ્રીને જણાવ્યું હતું કે તેઓ લોર્ડ હેઈન સામે હાઉસ ઓફ લોર્ડ્સમાં સત્તાવાર ફરિયાદ નોંધાવશે.

લોર્ડ હેઈને પાર્લામેન્ટરી પ્રિવિલેજને આગળ ધરી સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે મનાઈહૂકમના કારણે મીડિયા આ નામ જાહેર કરી શકે તેમ ન હોવાથી સંબંધિત બિઝનેસમેનનું નામ જાહેર કરવું પોતાની ફરજ હતી. ડેઈલી ટેલિગ્રાફના અહેવાલમાં જણાવાયું હતું કે અગ્રણી બિઝનેસમેન સામેના આક્ષેપોમાં આઠ મહિના સુધી તપાસ આદરી હતી પરંતુ, કોર્ટ દ્વારા તેમને નામ જાહેર કરતા અટકાવાયા હતા. અગાઉ, હાઈ કોર્ટે આવી જાહેરાત જાહેર હિતમાં હોવાનું જણાવ્યું હતુ પરંતુ, કોર્ટ ઓફ અપીલે તે ચુકાદો ઉલટાવી નાખ્યો હતો.

સર ગ્રીન અને લેડી ટીના ગ્રીનનું પારિવારિક આર્થિક સામ્રાજ્ય અંદાજે બે બિલિયન પાઉન્ડનું હોવાનું કહેવાય છે. તેમણે વર્ષ ૨૦૦૦માં BHSની અને બે વર્ષ પછી, ટોપશોપ, ટોપમેન અને બર્ટનની માલિકી ધરાવતા અર્કાડિયા ગ્રૂપની ખરીદી કરી હતી. તેમને ૨૦૦૬માં ટોની બ્લેર દ્વારા નાઈટહૂડનો ખિતાબ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter