સરકારી પેન્શન ૬૮ વર્ષે મળશેઃ ૭૦ લાખ લોકોને થનારી અસર

Saturday 22nd July 2017 05:32 EDT
 
 

લંડનઃ સરકારી પેન્શન મેળવવા માટેની નિવૃત્તિવયમાં વધારો સાત વર્ષ વહેલો કરવામાં આવશે તેવી વિવાદી જાહેરાત વર્ક અને પેન્શન્સ સેક્રેટરી ડેવિડ ગોકે હાઉસ ઓફ કોમન્સમાં કરી છે. આના પરિણામે, ૧૯૭૦થી ૧૯૭૮ વચ્ચે જન્મેલા લોકોએ સરકારી પેન્શન મેળવવા તેમની વય ૬૮ વર્ષની થાય તેની રાહ જોવી પડશે. અત્યારે આ વય ૬૭ વર્ષની છે. લેબર પાર્ટી અને ચેરિટી સંસ્થાઓએ આ જાહેરાતનો વિરોધ કર્યો હતો.

હાઉસ ઓફ કોમન્સના ઉનાળુ વિરામનો આરંભ થાય તે અગાઉ કરાયેલી જાહેરાત અનુસાર હાલ ત્રીસીના ઉત્તરાર્ધ અને ચાળીશીના પૂર્વાર્ધ વચ્ચેની વય ધરાવતા આશરે ૭૦ લાખ લોકોને તેની અસર થશે. તેમણે સરકારી પેશન્શન મેળવવા વધુ એક વર્ષ રાહ જોવાની થશે.

માર્ચ મહિનામાં પૂર્વ CBI ડાયરેક્ટર જનરલ જ્હોન ક્રીડલેન્ડની સમીક્ષાના તારણો પ્રસિદ્ધ કરાયા હતા તેની ભલામણોનો અમલ કરવા સરકારે નિર્ણય લીધો છે. તેમણે સરકારી પેન્શનો પાછળનો ખર્ચ અસહ્ય બનતો અટકાવવા પેન્શન વયમાં સમાયોજિત વધારાને ઝડપી બનાવવા ભલામણ કરી હતી. આમ, ૨૦૩૭ અને ૨૦૩૯ની વચ્ચે પેન્શન વય ૬૭ વર્ષથી વધીને ૬૮ વર્ષ થશે, જે અગાઉના આયોજન કરતા સાત વર્ષ વહેલું હશે. સરકારે ૨૦૧૩માં આયુષ્યમાં વધારો થવાને અનુલક્ષી સરકારી પેન્શન વયમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

મહિલાઓ સરકારી પેન્શનને લાયક બને તે માટેની વય નવેમ્બર ૨૦૧૮ સુધીમાં ૬૦થી વધીને ૬૫ થશે. ઓક્ટોબર ૨૦૧૮થી ઓક્ટોબર ૨૦૨૦ની વચ્ચે પુરુષ અને સ્ત્રી માટે સરકારી પેન્શનની વય વધીને એકસરખી ૬૬ વર્ષની અને ૨૦૨૬થી ૨૦૨૦ની વચ્ચે તે વધીને ૬૭ વર્ષની થશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter