લંડનઃ સરકારી પેન્શન કૌભાંડનો શિકાર બનેલી હજારો મહિલાઓને ૩૦ વર્ષ અગાઉ વહીવટી ભૂલોના કારણે નાણા ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે તેમને ૧૩,૫૦૦ પાઉન્ડ જમા હોવાનું જણાવતા પત્રો મોકલાશે. આ કૌભાંડની ભૂલો સુધારવાની કામગીરીમાં વર્ક એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટ (DWP)ને અંદાજે ૩ બિલિયન પાઉન્ડનો બોજો આવશે. ૧૫૫ સિવિલ સર્વન્ટ્સની ટીમ દરેક અસરગ્રસ્ત મહિલાની ફાઈલો શોધવામાં લાગી ગઈ છે. આ કૌભાંડ પત્નીઓ, વિધવાઓ અને ૮૦થી વધુ વયની સ્ત્રીઓને આપમેળે વધારો આપવામાં નિષ્ફળતાનું છે.
૩૦ વર્ષ અગાઉ વહીવટી ભૂલોના કારણે આશરે ૨૦૦,૦૦૦ મહિલાઓને અસર થઈ હતી. હવે મહિલાઓને સરકાર પાસે તેમના ૧૩,૫૦૦ પાઉન્ડ જમા નીકળતા હોવાના પત્રો મોકલી રહ્યા છે. આ કૌભાંડના જાહેર કરાયેલા દસ્તાવેજોથી જણાયું છે કે ભૂલસુધારના પરિણામે વર્ક એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટને અંદાજે ૩ બિલિયન પાઉન્ડનો બોજો આવશે. દરેક અસરગ્રસ્ત મહિલાની ફાઈલો શોધવાની અને નાણા ચૂકવવાની કામગીરી પૂર્ણ થતા છ વર્ષ લાગી જવાનો અંદાજ છે.
જૂની સરકારી પેન્શન સિસ્ટમ હેઠળ એપ્રિલ ૬,૨૦૧૬ પહેલા નિવૃત્ત થનારી મહિલાઓ તેમના પતિના સરકારી પેન્શનના ૬૦ ટકાનાદરે ક્લેઈમ કરવાનો અધિકાર ધરાવે છે. DWP માર્ચ ૨૦૦૮થી આની ઓટોમેટિક ચૂકવણી કરવાની હતી. વિધવાઓને તેમના મૃત પતિ જેટલું તેમજ ૮૦ વર્ષથી વધુ વયની મહિલાને ઓછામાં ઓછું ૬૦ ટકા પેન્શન ચૂકવવાનું થાય. વર્તમાન બેઝિક સરકારી પેન્શન સાપ્તાહિક ૧૩૪.૨૫ પાઉન્ડનું હોવાથી પરીણિત સ્ત્રીને ઓછામાં ઓછું સાપ્તાહિક ૮૦.૪૫ પાઉન્ડ પેન્શન મળવું જોઈએ. પૂર્વ પેન્શન્સ મિનિસ્ટર સર સ્ટીવ વેબે ગત વર્ષે હજારો મહિલાઓને ગણતરીમાં નહિ લેવાયાનો અંદાજ મૂક્યો હતો પરંતુ, કૌભાંડનું સાચું કદ હમણા જ બહાર આવ્યું છે.
ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીના આંકડા અનુસાર DWPએ આગામી છ વર્ષના ગાળા માટે ૩ બિલિયન પાઉન્ડ બાજુએ રાખ્યા છે. એમ મનાય છે કે આશરે ૨૦૦,૦૦૦ મહિલાને ૧૩,૫૦૦ પાઉન્ડ લેખે ૨.૭ બિલિયન પાઉન્ડ ચૂકવવાના થશે. DWPને મે અને ડિસેમ્બર ૨૦૨૦માં તપાસ દરમિયાન હજારો પરીણિત, ડાઈવોર્સી અને વિધવા મહિલાઓને સરકારી પેન્શન ઓછું ચૂકવાયાની જાણ થઈ હતી. જે મહિલાનું મૃત્યુ થયું હશે તેના પરિવારને લેણી રકમ ચૂકવી અપાશે.














