માન્ચેસ્ટરઃ મે મહિનામાં અરિયાના ગ્રાન્ડના કોન્સર્ટ સમયે માન્ચેસ્ટર અરીનામાં ઘાતક વિસ્ફોટથી સાત બાળકો સહિત ૨૨ લોકોને મારી નાખનારો સલમાન આબેદી સાવ એકલો હુમલાખોર ન હતો તેમ પોલીસે જણાવ્યું છે. આબેદી મોટા નેટવર્કનો હિસ્સો ન હતો પરંતું, આ સંદર્ભે વધુ ધરપકડો થઈ શકે છે. આ હુમલાના તપાસકાર અધિકારીઓને શહેરના અનેક સ્થળોએ વિસ્ફોટકો મળ્યા હોવાનું જણાવાયું છે.
એમ પણ જાણવા મળ્યું છે કે કોન્સર્ટમાં ફોયરમાં બોમ્બનો વિસ્ફોટ કરતા પહેલા આબેદીએ શહેરના વ્યસ્ત સિટી સેન્ટરમાં આંટાફેરા કર્યા હતા. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ નોર્થ આફ્રિકાના લિબિયામાં લશ્કરી પોલીસે પકડેલા હાશેમ આબેદીની પૂછપરછ કરવા ત્યાંના સત્તાવાળા સાથે વાતચીત કરી રહી છે. હાશિમે લિબિયા સત્તાવાળા સમક્ષ એવી કબૂલાત કરી હોવાનું કહેવાય છે કે તેનો ભાઈ કોઈ યોજના ઘડી રહ્યો હોવાની તેને જાણ હતી. વિનાશક હુમલાના બે વર્ષથી તે યુકેમાં રહેતો હતો ત્યારે ઉદ્દામવાદી વિચારધારામાં રંગાયો હતો. આબેદીએ સ્ટુડન્ટ લોનના નાણા બોમ્બ બનાવવા પાછળ વાપર્યા હતા કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસ અગાઉ એમ માનતી હતી કે હુમલાના દિવસો પહેલા આબેદીએ ખુદ બોમ્બ એસેમ્બલ કર્યો હતો. બોમ્બ માટે સામગ્રી મેળવવામાં પણ તેણે એકલા હાથે કામ કર્યું હોવા વિશે તે સ્પષ્ટ ન હતી.
જોકે, હવે પોલીસે જણાવ્યું છે કે આબેદીએ હુમલાની યોજના ઘડી પછી તેને અન્ય લોકોની મદદ મળી હતી. જોકે, આ નેટવર્ક ઘણું વિશાળ હોવાનું પોલીસ માનતી નથી. પોલીસે માન્ચેસ્ટરની કેટલીક પ્રોપર્ટીઓ ખાતેથી વિસ્ફોટકો મેળવ્યા હતા. આબેદી હુમલાના સ્થળે પહોંચ્યો તે પહેલા કલાકો સુધી સિટી સેન્ટરમાં રખડતો રહ્યો હતો. પોલીસે જપ્ત કરેલા ડિજિટલ પુરાવાઓમાં સીસીટીવીમાં કેદ ૧૬,૦૦૦ કલાક, ૧૫ ટેરાબાઈટ્સની ૩૦ લાખથી વધુ ફાઈલ્સનો સમાવેશ થાય છે, જેની તપાસ બાકી છે. પોલીસે હજુ ૭૫૫ નિવેદનો લીધા છે અને ૩૨૦૦ સાક્ષી તપાસવાના છે.


