લંડનઃ લેબર પાર્ટીના અગ્રણી નેતા, લંડનના પૂર્વ મેયર અને ૫૦ વર્ષથી પાર્ટી માટે કાર્યરત કેન લિવિંગસ્ટનને હિટલર મુદ્દે ટીપ્પણી કરવા બદલ વધુ એક વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લિવિંગસ્ટને પોતાની ટીપ્પણીઓ બદલ માફી નહિ માગતા તેમની સામે નવી ઈન્ક્વાયરી થઈ શકે છે. તેમણે બીબીસી લંડન સમક્ષ નાઝી નેતા ૧૯૩૦ના દાયકામાં ઝીઓનીઝમને ટેકો આપતા હોવાની ટીપ્પણી કરી હતી, જેના કારણે તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી ચાલતી હતી.
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને લિવિંગસ્ટન માફી માગે તેના પક્ષમાં છે જ્યારે, તેમની હકાલપટ્ટી ન થવા માટે પણ લંડનના મેયર સાદિક ખાન, પાર્ટીના ડેપ્યુટી લીડર ટોમ વોટ્સન, સાંસદ ટુલિપ સિદ્દીક સહિતનાં ઘણાં સભ્યો અને સાંસદો તેમજ જ્યુઈશ સમુદાયમાં રોષ પ્રવર્તે છે.
લેબર સાંસદ નાઝ શાહે સોશિયલ મીડિયામાં એન્ટિ-સેમેટિક ટીપ્પણીઓ કર્યાં પછી કેન લિવિંગસ્ટને તેમનો બચાવ કરતા એપ્રિલ ૨૦૧૬માં વિવાદ સર્જાયા હતો. જો પૂર્વ મેયરની ટીપ્પણી પાર્ટી માટે ભારે નુકસાનકારક હોવાનું સાબિત થશે તો તેમની પક્ષમાંથી હકાલપટ્ટી પણ થઈ શકે છે.
બીબીસીનાં મંગળવારના અહેવાલ અનુસાર કેન લિવિંગસ્ટને દાવો કર્યો હતો કે જ્યુઈશ ક્રોનિકલ અને લેબર સાંસદોએ તેમની ટીપ્પણીઓનું ખોટું અર્થઘટન કર્યું છે. જો લેબર પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરાશે તો આવા નિર્ણય સામે તેઓ કાનૂની કાર્યવાહી પણ કરશે.


