સાઈરા ખાને પ્રેક્ટિસિંગ મુસ્લિમ નહિ હોવાની કરેલી કબૂલાત

Wednesday 17th February 2021 04:52 EST
 
 

લંડનઃ ‘લૂઝ વિમેન’ની પેનલિસ્ટ સાઈરા ખાને જણાવ્યું હતું કે તે હવે પ્રેક્ટિસિંગ મુસ્લિમ રહી નથી અને આ કબૂલાતથી તે ભારે રાહત અનુભવી રહી છે. મિરર સાથેના ઈન્ટર્વ્યૂમાં ૫૦ વર્ષીય ટીવી પર્સનાલિટી સાઈરા ખાને કહ્યું હતું કે ‘આ હકીકતનો સ્વીકાર કરવાનું ‘હું મારું શ્રેષ્ઠ, સૌથી આનંદી અને સંતોષજનક જીવન જીવી શકું તે પહેલા આખરી ટેબુ- શાપિત બાબત પર પ્રભુત્વ મેળવવા’ સમાન હોવાનું મને લાગ્યું હતું.’

ડર્બીશાયરમાં પાકિસ્તાની મુસ્લિમ ઈમિગ્રન્ટ માતાપિતાને ત્યાં જન્મેલાં સાઈરા ખાને જણાવ્યું હતું કે તેમના માતાપિતાના ધર્મના ‘આધ્યાત્મિક પાસા’એ તેની માન્યતાઓનું ઘડતર કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે  હવે ઈસ્લામના નીતિનિયમો અનુસાર જીવતી ન હોવાની તેની કબૂલાતથી ઈસ્લામને અનુસરનારા લોકોની લાગણી દુભવાશે નહિ.

તેમણે જણાવ્યું હતું કે,‘મારા માટે મારો પરિવાર જ દુનિયા હોવાથી તેમને ખુશ રાખનાર હું જ હોવાનું ઢોંગ હું કરતી રહી હતી. જોકે, મુશ્કેલી એ છે કે તમે જ્યારે જુઠાણું આચરો-જીવો છો ત્યારે ખુદની જ લાગણી દુભાવો છો. હું મુસ્લિમ છું એમ કહેવું અને પાછલા બારણે બોયફ્રેન્ડ રાખવો, મુસ્લિમ ડ્રેસ કોડની વિરુદ્ધ જતાં હોય તેવા વસ્ત્રો પહેરવાં, બેશરમ થઈ શરાબપાન અને ગેરમુસ્લિમ જીવન જીવવાથી માત્ર અપરાધબોધ, જાતનો તિસ્કાર, એકલતા અને પાંજરામાં પુરાયેલા હોવાની લાગણી અનુભવાય છે. હું મારાં જીવનમાં આટલી રોષિત અને દુઃખી હોવાનું એક કારણ મારે અનેક વિરોધાભાસો સાથે જીવવું પડે છે તે છે.’ ખાને જણાવ્યું હતું કે ઈસ્લામિક આસ્થાના નીતિનિયમોના કારણે ૨૦૦૫માં તેના પતિ સ્ટીવ સાથેના લગ્ન અને એક બાળકને દત્તક લેવા સહિતના માઈલસ્ટોન્સ ‘હંમેશાં અપરાધ અને શરમ સાથે સંકળાયેલા’ રહ્યાં છે. તેમણે એવી પણ કબૂલાત કરી હતી કે આ પ્રકારે કબૂલાતો કરનારી સ્ત્રીઓને મળેલી મોતની ધમકીઓને ભય તેને પણ છે પરંતુ, તેણે પોતાનું સત્ય જાહેર કરવું જ જોઈએ તેવી લાગણી પણ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter