લંડનઃ હેરોના મેયર દ્વારા ઝોરોસ્ટ્રીઅન સેન્ટર, રાયનેર્સ લેન ખાતે સાઉથ એશિયન હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં 12 પ્રાદેશિક નર્તકોએ તેમના પરંપરાગત નૃત્યોને જીવંત બનાવીને સાંસ્કૃતિક સમૃદ્ધિનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. વૈવિધ્યપૂર્ણ નૃત્ય પરંપરાઓને નજીકથી નિહાળવાનો લ્હાવો અનુપમ બની રહ્યો હતો. મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ દ્વારા આયોજિત આ આનંદપૂર્ણ અને નિઃશુલ્ક ઈવેન્ટને નિહાળવા દેશભરમાંથી પરિવારો આવ્યા હતા. સ્વાદિષ્ટ ભોજન, તાજગીદાયક પીણાં અને ડાન્સના રંગીન નજારા સાથેનો આ ફેસ્ટિવલ લોકરંજક બની રહ્યો હતો.
હેરોના મેયરે સ્થાનિક મેક્ડોનાલ્ડ્સના નિષ્ઠાવાન મેનેજર જેકી પડિલ્લાને પ્રતિષ્ઠિત ‘બીયોન્ડ ધ કોલ ઓફ ડ્યૂટી’ એવોર્ડથી નવાજ્યા હતા. મેક્ડોનાલ્ડ્સના મેનેજિંગ ડાયરેક્ટર રીમા માવાણી તેમની ટીમ સાથે ખાસ હાજર રહ્યાં હતાં. શૈક્ષણિક હેતુસરના આ ઈવેન્ટમાં તમામ ધાર્મિક ગ્રૂપ્સની હાજરી રહી હતી. આ ઉપરાંત, આર્મ્ડ ફોર્સીસના કેડેટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રના સ્પોન્સર્સ પણ સંકળાયા હતા. આ ઈવેન્ટ તમામ માટે નિઃશુલ્ક રખાયો હતો.
આ ઉજવણી ઈવેન્ટનો હેતુ તમામ કોમ્યુનિટીઓને સુસંવાદિતા અને શાંતિમાં સાથે રાખવાનો હતો. તેનો વિષય સમગ્ર દેશ અને વિશ્વમાં એકતા અને વૈવિધ્યતાની સાથોસાથ લોકો શાંતિ અને સદ્ભાવનાના વિશ્વમાં આનંદ સાથે રહે તેવો હતો.
તમામ ફોટો - રાજ ડી બકરાણીઆ


