સાઉથોલ ટ્રાવેલના ગ્રાહકોને £૨૨ મિલિયનનું રિફન્ડ

Tuesday 16th June 2020 02:18 EDT
 
જયમીન બોરખેતરિયા
 

લંડનઃ સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપ દ્વારા તેના ગ્રાહકોને ૨૨ મિલિયન પાઉન્ડ જેટલા મૂલ્યની ચૂકવણી કરવા સાથે રિફન્ડ તેમજ અન્ય બાબતો સાથે કામ પાર પાડવાની પોતાની ક્ષમતા વધારવાના પગલાંની જાહેરાત છે. ટ્રાવેલ ગ્રૂપે જણાવ્યું હતું કે ૩૧ મે ૨૦૨૦ સુધીના પેકેજ બુકિંગ ધરાવતા ૯૪ ટકા ગ્રાહકોને રિફન્ડ આપી દેવાયું છે. જૂન ૩૦ સુધી પ્રવાસ કરનારા પેકેજ કસ્ટમર્સને ૧૫ જૂન સુધી રિફન્ડ ચૂકવી દેવાશે. જોકે, કંપનીએ સ્વીકાર્યું હતું કે ફ્લાઈટ-ઓન્લી બુકિંગ્સ માટે ઘણી એરલાઈન્સ પાસેથી નાણા પરત મેળવવા તે હજુ પ્રયત્નો કરી રહેલ છે.

પ્રિયાંજના (વિનંતીથી નામ બદલ્યું છે)ને ૨૯ માર્ચે ભારતનો પ્રવાસ કરવાનો હતો. તે ગત છ વર્ષથી સાઉથોલ ટ્રાવેલની નિયમિત કસ્ટમર છે અને બેઠકના રિઝર્વેશન માટે ટોકન રકમ લેવાના અને બાકીની રકમ ઉડ્ડયન તારીખની આસપાસ ચૂકવવાની નીતિ સાથે સાઉથોલ ટ્રાવેલની ફ્લાઈટ ટિકિટ્સ બુક કરવાની ફ્લેક્સિબલ ઓફર તેને પસંદ છે. ભારતે પોતાની સરહદો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે ટ્રાવેલ એજન્સીના પ્રતિનિધિએ તત્કાળ તેને પ્રવાસ પ્રતિબંધની માહિતી આપવા ફોન કર્યો હતો. જોકે, ટ્રાવેલ બાબતે અનિશ્ચિતતાઓ હોવાથી પ્રિયાંજનાએ સાઉથોલ ટ્રાવેલને તેની ડિપોઝિટ રિફન્ડ કરવા લખી જણાવ્યું હતું. ગત સપ્તાહે જ તેણે ચૂકવેલી રકમ જેટલા બે વર્ષના વાઉચર મેળવવા અથવા સંપૂર્ણ રિફન્ડની ઓફર કરતો ફોન મળ્યો હતો. પ્રિયાંજના એ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ મેં રિફન્ડ લેવાનું પસંદ કર્યું હતું. જોકે, મને હજુ ૫૦૦ પાઉન્ડની રકમ મળવાની બાકી છે પરંતુ, બે સપ્તાહમાં જ આ રકમ ખાતામાં જમા થઈ જશે તેમ મને જણાવાયું છે. આવા કપરા સમયમાં તેનાથી મારાં બજેટને ઘણી મદદ મળશે.’

સાઉથોલની OTA બ્રાન્ડ્સમાંથી એક Travel Trolleyની તાજેતરમાં ટીકા કરવામાં આવી હતી અને ટ્રાવેલ કંપનીઓ રિફન્ડની વિનંતીઓનો કેવો પ્રત્યુત્તર વાળે છે તે સંદર્ભે MoneySuperMarketના તાજેતરના અભ્યાસમાં તે તળિયાના ક્રમે આવી હતી. જોકે, સાઉથોલ ટ્રાવેલ અને OTA બ્રાન્ડ્સ Travel Trolley અને Sky Sharp ના ચીફ કોમર્શિયલ ઓફિસર જયમીન બોરખેતરિયાએ Travolutionના લી લેહર્સ્ટને જણાવ્યું હતું કે, જો આ અભ્યાસ ફરી કરવામાં આવે તો તેમાં ‘તદ્દન અલગ જ હકીકત’ જોવાં મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપનીના કોલ સેન્ટર્સને કોલ કરતા કસ્ટમર્સ માટે સરોરાશ વેઈટિંગ પીરિયડ માત્ર બે મિનિટનો જ છે. તેમણે ટીકાઓને ગેરવાજબી ગણાવતા કહ્યું હતું કે લોકડાઉનના કારણે યુકે અને ભારત (જ્યાં તેના કોલ સેન્ટર્સ છે)ને ગંભીર અસર પહોંચી હતી અને તેનાથી ક્લાયન્ટ્સ સાથે કામ કરવાની કંપનીની ક્ષમતામાં પણ અવરોધ સર્જાયો હતો.

બીજી તરફ, કંપનીના ૨૮૦ એરલાઈન સપ્લાયર્સમાંથી મોટા ભાગનાએ ઓટોમેટેડ GDS રિફન્ડ્સની વ્યવસ્થા અટકાવી દીધી છે અને ઘણાએ તો રિફન્ડ્સનો સદંતર ઈનકાર કર્યો છે ત્યારે, સાઉથોલ ટ્રાવેલે ઘણી પૂછપરછો સાથે કામ પાર પાડવા તેની રિફન્ડ પ્રોસેસિંગ ટીમની સંખ્યા ૧૫થી વધારીને ૩૦૦ કરી છે. ફરિયાદો મળવાના પગલે સાઉથોલ ટ્રાવેલ દ્વારા ગત મહિને રિફન્ડના પ્રોસેસિંગ માટે કાયદેસર ચાર્જ કરી શકાય તેવી વહીવટી ફી પણ જતી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ તો સંબંધિત એરલાઈન્સ પાસેથી નાણા પરત મળવાની ખાતરી હોય તેવા સંજોગોમાં તેમની પાસેથી નાણા પરત મળે તે પહેલા જ ક્લાયન્ટને નાણા રિફન્ડ કરી આપ્યા છે.

ખાનગી માલિકીની કંપની સાઉથોલ ટ્રાવેલ ૩૫ કરતાં વધુ વર્ષથી કાર્યરત છે. સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર સાઉથોલ ટ્રાવેલના સ્થાપક કુલજિન્દર બહિઆ અને તેમનો પરિવાર ૨૦૧૫માં યુકેના ટ્રાવેલ સેક્ટરમાં સૌથી ધનવાન લોકોમાં પ્રથમ ક્રમે હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter