સાઉધમ્પ્ટનમાં વિસ્ફોટકો અને શસ્ત્રો બનાવનાર પકડાયો

Wednesday 24th June 2020 01:57 EDT
 

લંડનઃ પોલીસે હેમ્પશાયરના સાઉધમ્પ્ટનમાં ઘરમાં જ વિસ્ફોટકો અને શસ્ત્રો બનાવનારા ૪૭ વર્ષીય પાસ્કલ નોર-ગુલ્ડેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પ્રોપર્ટી પર શુક્રવાર ૧૯ જૂને દરોડો પાડ્યો હતો અને આજુબાજુના મકાન ખાલી કરાવી દીધા હતા. આ ઘટના સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિને પણ પોલીસે પકડી હતી જેને, જામીન પર મુક્ત કરાઈ હતી.

હેમ્પશાયરના સાઉધમ્પ્ટનના બોન્ડ રોડ પરના એક ઘરમાં ૪૭ વર્ષીય પાસ્કલ નોર-ગુલ્ડે નામનો વ્યક્તિ શસ્ત્રો અને વિસ્ફોટકો બનાવવાની શંકાસ્પદ હાલતમાં પકડી લેવાયો હતો. તેને ૨૨ જૂન સોમવારે સાઉધમ્પ્ટન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર કરાયો હતો અને ૨૪ જુલાઈ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ કરાયો હતો. આ ઘટના સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિને પૂછપરછ પછી ૧૭ જુલાઈ સુધી જામીન પર મુક્ત કરાયો છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક્સ્પ્લોઝિવ ઓર્ડેનન્સ ડિસ્પોઝલ ટીમ આ પ્રોપર્ટીની તપાસમાં જોડાઈ હતી અને સાવચેતી તરીકે આજુબાજુની બે પ્રોપર્ટી ખાલી કરાવાઈ હતી. સલામતી જણાયા પછી લોકો ઘેર પરત ફર્યા હતા.

કિશોરે ત્રાસવાદી હુમલાની યોજના ઘડી

ત્રાસવાદી હુમલાની યોજના ઘડવાના આરોપસર હેમ્પશાયરના ૧૪ વર્ષના કિશોરને ગુરુવાર ૧૮ જૂને લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. સગીર વિરુદ્ધ ઈસ્લામિક ત્રાસવાદ સાથે સંકળાયેલા ટેરરિઝમ એક્ટ ૨૦૦૬ના સેક્શન ૫ (૧) (a) થી વિપરીત ત્રાસવાદી કૃત્યોની તૈયારીના એક કાઉન્ટનો આરોપ લગાવાયો હોવાનું કાઉન્ટર-ટેરરિઝમ પોલિસિંગ સાઉથ ઈસ્ટ (CTPSE) દ્વારા જણાવાયું છે. હેમ્પશાયર કોન્સ્ટ્બ્યુલરીએ ૧૨ જૂન શુક્રવારે તેની ધરપકડ કર્યા પછી CTPSEના ડિટેક્ટિવોએ ટેરરિઝમ એક્ટના સેક્શન ૪૧ હેઠળ તેની નવેસરથી ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter