લંડનઃ સાઉથ યોર્કશાયરના રોધરહામમાં કિશોરીઓના જાતીય શોષણ સંબંધિત સંખ્યાબંધ અપરાધો બદલ વધુ છ વ્યક્તિને દોષિત જાહેર કરાયા છે. નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા સાઉથ યોર્કશાયરના ટાઉનમાં ૧૯૯૭થી ૨૦૧૩ના ગાળામાં જાતીય શોષણના અપરાધોમાં કરાયેલી તપાસના આધારે શેફિલ્ડ ક્રાઉન કોર્ટની જ્યૂરીએ સાત મહિલાઓ જ્યારે તરુણીઓ હતી ત્યારે તેમના પર આચરાયેલા અપરાધો બદલ જ્યૂરીએ આફતાબ હુસૈન, આબિદ સાદિક, મસૂદ મલિક, શારાઝ હૂસૈન, ઈકલાક યુસુફ તેમજ અન્ય એક અપરાધીને દોષિત ઠરાવ્યા પછી જજ માઈકલ સ્લેટરે કુલ ૬૦થી વધુ વર્ષની સજા જાહેર કરી હતી. જજે માનસિક આઘાતમાંથી પસાર થઈ રહેલી પીડિતાઓએ દર્શાવેલી હિંમત બદલ બિરદાવી હતી.
રોધરહામ એને આસપાસના વિસ્તારોમાં રહેતા આરોપીઓમાંથી૪૦ વર્ષીય આફતાબ હુસૈનને બળાત્કાર અને જાતીય હુમલાઓના સંદર્ભ ૨૪ વર્ષ તેમજ આબિદ સાદિકને ૨૦ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. પાંચમા આરોપી ઈકલાક યુસુફને ૧૦ વર્ષ, શારાઝ હુસૈનને ચાર વર્ષની સજા થઈ છે. મસૂદ મલિક આવા જ ગુનાઓમાં ૧૫ વર્ષની સજા ભોગવી રહ્યો છે તેને વધુ પાંચ વર્ષ જેલમાં ગાળવાના રહેશે. વધુ એક અનામી અપરાધીને સજા સંભળાવવાની બાકી છે.
ક્રાઈમ એજન્સીનો ૨૦૦થી વધુનો સ્ટાફ ઓપરેશન સ્ટોવવૂડ પર કાર્યરત છે અને ૧૯૯૭થી ૨૦૧૩ના ગાળામાં ૧૫૧૦ ટીનેજર્સનું જાતીય શોષણ કરાયું હોવાનું એજન્સી માને છે. અત્યાર સુધી ૨૦ પુરુષને દોષિત ઠરાવાયા છે. સાત સપ્તાહની ટ્રાયલમાં જ્યૂરીને જણાવાયું હતું કે અપરાધીઓ દ્વારા અસલામત કિશોરીઓને લલચાવીને તેમની શાળાની બહારથી લઈ જવાતી હતી, તેઓ પર અનેક પુરુષો દ્વારા બળાત્કાર ગુજારાય તે અગાઉ આલ્કોહોલ અને ડ્રગ્સ પણ અપાતા હતા. ઘણી વખત તેમની પર હિંસા પણ આચરાતી હતી.
યુકેમાં બાળ યૌનશૌષણ અને જાતીય દુરુપયોગની સૌથી મોટી તપાસ ઓપરેશન સ્ટોવવૂડ હેઠળ ૩૧૩ કથિત પીડિતો સાથે વાતચીતો પછી ૧૯૦ શકમંદોની ઓળખ કરાઈ છે. યુકેમાં રોધરહામ ઉપરાંત, રોચડેલ, ન્યૂકેસલ, ઓક્સફર્ડ, બ્રિસ્ટોલ, આઈલ્સબરી, પીટરબરા, ટેલ્ફર્ડ, હડર્સફિલ્ડમાં સેક્સ ગેન્ગ્સની ઓળખ કરાઈ છે અને ઘણા અપરાધીને જેલમાં ધકેલવામાં આવ્યા છે.


