સાતમાંથી એક બ્રિટિશ ગ્રેજ્યુએટ નાણા ખર્ચી પોતાના પ્રોજેક્ટસ ઓનલાઈન પૂરા કરાવે છે

પ્રોજેક્ટ પૂરા કરાવવાનો ધંધો વાર્ષિક ૧૦૦ મિલિયન પાઉન્ડને પારઃ આવી કંપનીઓ ન્યૂ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએસએ, પૂર્વ યુરોપ, ભારત અને ઈસ્ટ આફ્રિકામાં વધુ છે.

Wednesday 08th May 2019 06:07 EDT
 
 

લંડનઃ ગત થોડાં વર્ષોમાં એસે-રાઈટિંગ સેવા આપતા અને એસે-મિલ તરીકે ઓળખાતાં ઓનલાઈન બિઝનેસીસની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ નિબંધલેખન બિઝનેસમાં વિદ્યાર્થીઓ પોતાનું કામ નાણા ખર્ચી અન્યો પાસે કરાવડાવે છે. આ કાર્ય એટલું વધ્યું છે કે તે હવે વાર્ષિક ૧૦૦ મિલિયન પાઉન્ડની ઈન્ડસ્ટ્રી બની ગયેલ છે. સ્વાનસી યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ દર સાતમાંથી એક ગ્રેજ્યુએટ પોતાના પ્રોજેક્ટ કે વર્ક એસાઈમેન્ટ્સ બહારથી તૈયાર કરાવી રહ્યા છે.

બ્રિટનમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કોલેજમાંથી મળતા પ્રોજેક્ટ કે એસાઇન્મેન્ટને પૂરા કરવા છેતરપીંડી આચરી રહ્યા છે. તેઓ પ્રોજેક્ટ્સ જાતે પૂરા કરવાને બદલે બહારના લોકોને નાણા આપી ઓનલાઇન તૈયાર કરાવે છે. બીજા પાસે પ્રોજેક્ટ પૂરા કરાવવાનો ધંધો બહુ ફૂલ્યાફાલ્યો છે અને તે વાર્ષિક ૧૦૦ મિલિયન પાઉન્ડને પાર કરી ગયો છે. આવી કામગીરી કરતી કંપનીઓ ન્યૂ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએસએ, પૂર્વ યુરોપ, ભારત અને ઈસ્ટ આફ્રિકામાં વધુ છે.

કેટલા વિદ્યાર્થીઓ આ રીતે છેતરપીંડી કરે છે તેમની સંખ્યા જાણવી મુશ્કેલ છે પરંતુ, યુનિવર્સિટી વોચડોગ ક્વોલિટી એસ્યોરન્સ એજન્સીને ૨૦૧૬માં જાણવા મળ્યું હતું કે વર્ષમાં આશરે આવી ૧૭,૦૦૦ ઘટના બને છે. જોકે, આ સંખ્યા હજુ વધુ હોવાનું કહેવાય છે. સ્વાનસી યુનિવર્સિટી દ્વારા ૨૦૧૪થી ૨૦૧૮ના ગાળામાં વિશ્વભરના ૫૪,૫૦૦ વિદ્યાર્થીના સર્વે અનુસાર ૧૫.૭ ટકા વિદ્યાર્થીએ છેતરપીંડીનો સ્વીકાર કર્યો હતો. તેઓએ આશરે ૨૦૦૦ શબ્દોનો પોતાનો પ્રોજેક્ટ નિબંધ નાણા ખર્ચીને લખાવડાવ્યો હતો.

અભ્યાસ મુજબ પ્રોજેક્ટ પૂરો કરવા માટે હજારો ઓનલાઇન વેબસાઇટ વિદ્યાર્થીઓને ઓફર આપે છે. બીજાની તુલનાએ અડધા ભાવે કામ કરવાની લાલચ પણ આપે છે. પ્રોજેક્ટ પૂરો કરવાની ફી અલગ અલગ રહે છે. વિદ્યાર્થીએ પ્રોજેક્ટનો વિષય, મહત્તમ શબ્દો અને સમયમર્યાદા જણાવવી પડે છે, જેના આધારે ફી નક્કી થાય છે. મેડિસીનમાં પીએચ.ડી લેવલના ૩૦,૦૦૦ શબ્દોનાં શોધનિબંધ માટે ૨૨,૫૦૦ પાઉન્ડ પણ ખર્ચવા પડે છે. આવા નિબંધો નિષ્ણાતો અને તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવે છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં કોમ્પ્યુટર સાયન્સીસના સીનિયર ટીચિંગ ફેલો અને નિબંધ છેતરપીંડી મુદ્દે યુકેના નિષ્ણાત ડો. થોમસ લેન્કેસ્ટર કહે છે કે એસે-મિલ્સથી યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા સામે ભારે જોખમ સર્જાય છે. તેમના સંશોધનમાં વિદ્યાર્થીઓએ બહારથી શોધનિબંધ લખાવ્યો હોય તેવી ૩૦,૦૦૦ ઘટના જોવાં મળી હતી. યુનિવર્સિટીઓ છેતરપીંડી વિરુદ્ધ કડક નીતિઓ ધરાવતી હોવાં છતાં એસે-મિલ્સ ગેરકાયદે નથી એને તેમની જાહેરાતો પણ થાય છે. આવી કંપનીઓ કાનૂની છીંડાનો ભરપૂર ઉપયોગ કરી ડિસક્લેઈમર્સમાં સ્પષ્ટ કરે છે કે આનો ઉપયોગ અભ્યાસના માર્ગદર્શન પૂરતો જ છે. એસે-મિલ્સને ગેરકાયદે જાહેર કરવાની માગણીઓ થાય છે પરંતુ, મોટા ભાગની કંપની વિદેશમાં હોવાથી અમલ કરાવવો મુશ્કેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter