લંડનઃ સાન્ડિયા હોલસેલ લિમિટેડને પ્રતિષ્ઠિત કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ 2026 એનાયત કરાયાની ઉજવણી કરવામાં આવી હતી. આ એવોર્ડ કંપનીના સતત વિકાસ અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. સાન્ડિયા ટીમ દ્વારા સાંસદ ગારેથ થોમસ અને રેવરન્ડ લેસ્લી ગોલ્ડસ્મિથ DLને વિશેષ ઉજવણી માટે તેમના હેરોના હેડક્વાર્ટમાં આમંત્રિત કરાયા હતા, જ્યાં કર્મચારીઓ, પાર્ટનર્સ અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ યુકેના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ સન્માનોમાં એક છે જેના દ્વારા યુકે બિઝનેસીસ દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિની કદર કરવામાં આવે છે. સાન્ડિયા હોલસેલ લિમિટેડને આંતરરાષ્ટ્રીય વેપારમાં સફળતા અને તેના ગ્લોબલ બિઝનેસના સતત વિકાસની કદરરૂપે આ એવોર્ડ અપાયો છે.
સંજીત માણેક દ્વારા સ્થાપિત સાન્ડિયા હોલસેલની આંતરરાષ્ટ્રીય હોલસેલ અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ તરીકે વૃદ્ધિ થઈ છે અને તે સમગ્ર યુકે અને ઓવરસીઝ બજારોમાં અગ્રેસર FMCG બ્રાન્ડ્સના વ્યાપક પોર્ટફોલીઓનો સપ્લાય કરે છે. આ ઉજવણીએ સાન્ડિયાની સફળતા પાછળ રહેલા લોકોની કદર કરવા તેમજ આંતરરાષ્ટ્રીય વિકાસના આગામી તબક્કા અને કંપનીની યાત્રા પર નજર નાખવાની તક પુરી પાડી હતી.
સાન્ડિયા હોલસેલના સ્થાપક અને સીઈઓ સંજીત માણેકે જણાવ્યું હતું કે, ‘કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ મેળવવો તે સાન્ડિયા માટે અભૂતપૂર્વ ગૌરવની પળ છે. આ સન્માન એટલા માટે વિશેષ છે કારણકે તે સમગ્ર ટીમની સખત મહેનત, પ્રતિબદ્ધતા અને વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. મહાન પ્રોડક્ટ્સને સમગ્ર વિશ્વના ગ્રાહકો સાથે સાંકળે તેમજ આરંભથી સાન્ડિયા માટે કેર્ન્દ્રમાં રહેલા સંબંધો અને મૂલ્યોને જાળવે તેવા બિઝનેસનું નિર્માણ કરવાની અમારી સદાની મહત્ત્વાકાંક્ષા રહી છે. અમારી યાત્રામાં સાથ આપનારા અમારા કર્મચારીઓ, ગ્રાહકો, સપ્લાયર્સ અને પાર્ટનર્સનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ એવોર્ડ સાન્ડિયાની સફળતામાં ભૂમિકા ભજવનારા સહુનો છે.’
ઈવેન્ટમાં કિંગ્સ એવોર્ટના સત્તાવાર પ્રેઝન્ટેશન, ઉજવણીના ભોજન અને સાન્ડિયા ટીમ અને મહેમાનોને અરસપરસ મળવા અને સિદ્ધિને બિરદાવવાની તકનો સમાવેશ થયો હતો. કંપની તેના આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત બનાવવા અને વૈશ્વિક બજારોમાં પાર્ટનરશિપ્સના નિર્માણમાં આગળ વધી રહી છે ત્યારે સાન્ડિયા માટે આ સન્માન સતત વિકાસના સમય સાથે આવ્યું છે. કંપની તેના ‘ડિસ્ટ્રિબ્યુશન વિથ પેશન, ડિલિવરીંગ વિથ કેર’ના મુદ્રાલેખને જાળવી રાખવા સાથે તેની આંતરરાષ્ટ્રીય હાજરીને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


