લંડનઃ જાણીતા સામાજિક અગ્રણી વેલજીભાઈ વેકરિયાએ ABPLની હેરો ઓફિસની ખાસ મુલાકાત લઇને દિવાળી પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી. સમગ્ર યુકે અને કેન્યામાં સામાજિક, ધાર્મિક અને સખાવતી પ્રવૃત્તિઓમાં દાયકાઓની સમર્પિત વેલજીભાઈએ પોતાના જીવનનો મોટો ભાગ વિવિધ સમાજોને એકતાંતણે બાંધવામાં, જરૂરિયાતમંદોને મદદ કરવામાં અને ભાવિ પેઢીઓ માટે તકોનું સર્જન કરવા પાછળ વીતાવ્યો છે.
તેઓ હાલ યુકેમાં હિન્દુ સમુદાયો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકેના પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપેલી છે. તેઓ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે માટે પબ્લિક રિલેશન્સ અને માર્કેટિંગની કામગીરી સંભાળવા સાથે ટુજિજેન્ગે પામોજા નેટવર્કના કમિટી મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
કોમ્યુનિટી સેવાની તેમની પ્રતિબદ્ધતા કેન્યામાં વીતાવેલા વર્ષોથી જોવા મળે છે, જ્યાં તેમણે મોમ્બાસાના શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલના સેક્રેટરીપદે 18 વર્ષ સેવા આપી હતી. તેઓ સ્થળાંતર કરી યુકે આવ્યા તે પહેલા મોમ્બાસા અને વ્યાપક કોસ્ટ પ્રોવિન્સમાં બ્રિટિશ હાઈકમિશન માટે માનદ કોરસપોન્ડન્ટ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ આ પદે 1992થી 2000 સુધી રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન, તેમણે ટીમ સાથે સમય વીતાવ્યો હતો. ઉત્સવની શુભકામના પાઠવવા સાથે વિચારોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. અમારી ઓફિસમાં તેમનું સ્વાગત કરતાં અને સામાજિક ક્ષેત્રે તેમના દીર્ઘકાલીન યોગદાનને બિરદાવતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.


