સામાન્ય ચૂંટણી માટે વોટર રજિસ્ટ્રેશન કરાવવાની પહેલ

Wednesday 10th May 2017 06:45 EDT
 
 

લંડનઃ યુકેમાં આઠમી જૂને સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે. જનરલ ઈલેક્શન ૨૦૧૭ માટે મતદાર નોંધણીની સમયમર્યાદા ૨૨ મે, ૨૦૧૭ની રખાઈ છે. સંખ્યાબંધ લોકો ઈલેક્ટોરલ રજિસ્ટરમાં નોંધાયેલા નહિ હોવાં વિશે હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) સહિત અન્ય ફેઈથ ઓર્ગેનાઈઝેશનો ચિંતિત છે. સમગ્ર યુકેમાં કેટલીક ધાર્મિક કોમ્યુનિટીઝ વોટર રજિસ્ટરમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે.

આપણને અસર કરતા હોય તેવાં મુદ્દાઓનું નિરાકરણ લાવવા રાજકીય પક્ષો તેમની નીતિયોજનાઓ ઘડે તેવી માગણી સાથે બ્રિટિશ રાજકારણમાં સક્રિય અને અસરકારક ફાળો આપવાની ધાર્મિક સમુદાયો માટે અમૂલ્ય તક છે. એટલું અવશ્ય યાદ રાખો કે મતદાર તરીકે નોંધાયેલા હોઈએ તેનો અર્થ એ છે કે રાજકારણીઓ તમને સાંભળશે કારણકે તેઓ જાણે છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં કોનો વિજય થશે અને કોનો પરાજય તે નિશ્ચિત નિર્ણય કરવાનો અધિકાર તમારા હાથમાં જ છે.

HCUKના ડિરેક્ટર સેક્રેટરી જનરલ સંજય જગતિયાએ જણાવ્યું હતું કે, લોકો આ ચૂંટણીમાં મત આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની પહેલમાં ડિપાર્ટમેન્ટ ઓફ લોકલ કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ (DCLG) તથા યુકેમાં અન્ય ધાર્મિક સંગઠનોની સાથે HCUK પણ જોડાયેલ છે. સોમવાર ૧૫ મેએ આખો દિવસ ‘ટ્વીટ સ્ટોર્મ’ ચાલશે, જેમાં વિવિધ હિન્દુ ધાર્મિક નેતાઓ, સંગઠનો-સંસ્થાઓ અને વ્યક્તિઓ વોટર રજિસ્ટ્રેશનને ઉત્તેજન આપવા ટ્વીટ્સ કરશે. આ પહેલને hashtag: #MyfaithMyvote ના ઉપયોગથી ટ્વીટ કરીને તમારું સમર્થન આપશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter