વ્યથિત હિંદુઓએ સ્ટુડન્ટ ન્યૂઝપેપર હોની સોઈટમાં હિંદુ ધર્મની મજાક ઉડાવવા બદલ યુનિવર્સિટી ઓફ સીડની (USYD)ને માફી માગવા અનુરોધ કર્યો હતો. હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા ખાતે જણાવ્યું કે પબ્લિક રિસર્ચ યુનિવર્સિટીના આ ન્યૂઝપેપર માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાની બાબત અયોગ્ય અને સંવેદનાહીન છે. હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જૂનો અને ત્રીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. તેના ૧.૨ બિલિયન અનુયાયીઓ છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રમુખ ઝેડે હિંદુ સમુદાયની ઔપચારિક માફી માગવા ચાન્સેલર બેલિન્ડા હચીસન અને વાઈસ ચાન્સેલર માઈકલ સ્પેન્સને અનુરોધ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીને તેના સ્ટુડન્ટ ન્યૂઝપેપર હોની સોઈટની વેબસાઈટ્સ પરથી વાંધાજનક લેખ હટાવી દેવા જણાવ્યું હતું. વધુમાં ડિજીટલ પ્લેટફોર્મ આઈએસએસયુ અને વિવિધ મુખ્ય સેટેલાઈટ કેમ્પસ લોકેશન્સમાંથી તેની પ્રિન્ટ એડીશન પણ પાછી ખેંચી લેવા જણાવ્યું હતું.
રાજન ઝેડે સંકેત આપ્યો હતો કે ટેક્સની રકમ અને વિદ્યાર્થીઓ (તેમાંના ઘણાં હિંદુ છે)ની ફીથી ચાલતી યુનિવર્સિટીએ પરંપરા, તત્ત્વો અને 'અન્યો'ના અભિગમની અવગણના કરવાની પ્રવૃત્તિમાં સંકળાવું જોઇએ નહિ.
હોની સોઈટના કલ્ચર સેક્શનમાં ૨૨ ઓક્ટોબરના લેખમાં હિંદુ ધર્મને ૨૦૦ વર્ષ જૂની શોધ ગણાવાઈ હતી. ધર્મ વિશે ખોટા નિવેદનની આ બાબત ઓસ્ટ્રેલિયામાં અને એકંદરે સમાજમાં ઘણું યોગદાન આપનાર મહેનતુ, હળીમળીને રહેતા અને શાંતિપ્રિય હિંદુ સમુદાય માટે આઘાતજનક હોવાનું ઝેડે ઉમેર્યું હતું. સાપ્તાહિક હોની સોઈટ ૧૯૨૯થી ક્વોલિટી સ્ટુડન્ટ જર્નાલિઝમનો દાવા સાથે પોતાને ઓસ્ટ્રેલિયામાં સૌથી વાઈબ્રન્ટ અને પ્રતિષ્ઠિત સ્ટુડન્ટ પબ્લિકેશન ગણાવે છે.