સીનિયર નર્સ પત્નીને એક વર્ષ નહિ મળવા ‘જુલમગાર’ પતિને આદેશ

Wednesday 24th January 2018 05:58 EST
 
 

માન્ચેસ્ટરઃ NHSની સીનિયર ક્લિનિશિયન અને ત્રણ બાળકોની ૩૮ વર્ષીય માતા ડો. મંજુ લકસને તેના જુલમગાર પતિ લકસન ફ્રાન્સિસ-ઓગસ્ટાઈન વિરુદ્ધ નિયંત્રણકારી આદેશ મેળવ્યો હતો. ડો. મંજુએ આરોપ લગાવ્યો હતો તે તેમના ૧૪ વર્ષના લગ્નજીવનમાં લકસને અનેક લફરાં કરી છેતરપીંડી કરવા ઉપરાંત, હિંસા આચરી હતી. કોર્ટે ગ્રેટર માન્ચેસ્ટરના ઓગસ્ટાઈનને એક વર્ષ સુધી પત્નીનો સંપર્ક કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો.

ગ્રેટર માન્ચેસ્ટરના સેલની નિવાસી ડો. મંજુ લકસને દાવો કર્યો હતો કે તેનો પતિ લકસન ફ્રાન્સિસ-ઓગસ્ટાઈન એસ્કોર્ટ્સ સાથે ઓનલાઈન મીટિંગ્સ ગોઠવતો હતો અને આ વિશે પૂછપરછ કરતા તેને માર મરાતો હતો. તેણે તાજેતરના બિઝનેસ પ્રવાસ અંગે પતિને પૂછ્યું ત્યારે વારંવાર ચહેરા પર તમાચા મારી મને આવું પૂછનાર તું કોણ છે તેમ કહ્યું હતું. સીનિયર નર્સે એમ પણ જણાવ્યું હતું કે તેને પતિ માટે લેન્ડ રોવર ખરીદવા તેમજ તેના બિઝનેસને બરાબર ગોઠવવામાં મદદ માટે લોન્સ લેવાની ફરજ પડાઈ હતી.

દંપતીના સૌથી મોટા સંતાનના કોલના પરિણામે પોલીસે ગત નવેમ્બરમાં તેમના ઘરની મુલાકાત લીધી હતી. આ સમયે મિસિસ લક્સન ગભરાયેલી હાલતમાં હતાં અને તેમણે પતિ સામે આક્ષેપો કરતું ૧૪ પાનાનું નિવેદન પણ ફાઈલ કર્યું હતું. ગત વર્ષની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રહેલા ફ્રાન્સિસ-ઓગસ્ટાઈને ૨૦૧૫થી ૨૦૧૭ના ગાળામાં પત્ની વિરુદ્ધ નિયંત્રણકારી અથવા જુલમગારી વર્તનના આક્ષેપસર માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ ખાતે ટ્રાયલનો સામનો કરવાનો આવ્યો હતો. જોકે, મિસિસ લક્સને કોર્ટમાં પતિ વિરુદ્ધ જુબાની આપવા સાક્ષીના બોક્સમાં આવવાનો ઈનકાર કર્યા પછી આરોપ પડતો મૂકવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter