સીબી પટેલ લાઈફ ગ્લોબલ યુકેના ચીફ પેટ્રન

Wednesday 26th April 2017 06:55 EDT
 

લંડનઃ સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ‘પ્રોજેક્ટ લાઈફ’નો વિસ્તાર કરવાના આશય સાથે લાઈફ ગ્લોબલ યુકેનું સત્તાવાર લોન્ચિંગ બુધવાર, તા. ૨૪ મે ૨૦૧૭ના દિવસે નવનાત સેન્ટર,પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈઝ મિડલસેક્સ UB3 IAR ખાતે કરવામાં આવનાર છે. આ સમારંભમાં‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સીબી પટેલ મુખ્ય મહેમાન છે અને લાઈફ ગ્લોબલ યુકેના ચીફ પેટ્રન તરીકેની જવાબદારી પણ સીબી પટેલને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ લાઈફ દ્વારા સંચાલિત વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ (WEP) અને પ્રાઈમરી સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (PSIDP) માટે નાણાકીય સહાય મેળવવા ફંડરેઈઝિંગ ઈવેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ‘પ્રોજેક્ટ લાઈફ’ સંસ્થાનો આરંભ ૧૯૭૮માં થયો હતો. સંસ્થા રક્તદાન અને બ્લડ બેન્ક તથા થેલેસેમિયા વિશે જાગૃતિ, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ, વૃક્ષારોપણ થકી પર્યાવરણની સુરક્ષા, આરોગ્યમય જીવન માટે વૈકલ્પિક થેરાપીઓને પ્રોત્સાહન, નારી આત્મનિર્ભરતા અને સ્વનિર્વાહ માટે કૌશલ્યવિકાસ તેમજ NRI/NRG ના સંપર્કના ક્ષેત્રોમાં કાર્યરત છે. પ્રોજેક્ટ લાઈફ ગ્લોબલ હેડક્વાર્ટર્સ રાજકોટમાં આવેલું છે. જાન્યુઆરી ૦૭, ૨૦૧૭ના દિવસે ગોદાવરી ગામ ખાતે શ્રીમતી ડોલરબહેન ચીમનલાલ પ્રાઈમરી સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી, ૧૦ જાન્યુઆરીએ અમદાવાદ ખાતે વિધવાઓ અને ગરીબીરેખા નીચે જીવન ગુજારતી મહિલાઓને સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સીબી પટેલ પોતાના મિત્ર વેજાભાઈ રાવલીઆ સાથે આ બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ થોડા વર્ષોથી પ્રોજેક્ટ લાઈફ સાથે સંકળાયા છે. આના પરિણામે, યુકેના NRI/NRG માં જાગૃતિ અને રસ સર્જવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. લાઈફ ગ્લોબલ યુકે, યુએસએ અને કેનેડા મારફત સામાજિક પ્રવૃત્તિઓ આગળ ધપાવવા નિર્ણય લેવાયો છે.

સીબી પટેલના યુકેમાં માનવતાવાદી કાર્યો પ્રત્યે નિષ્ઠા અને સમર્પણ તથા વિચારોથી પ્રભાવિત સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ‘પ્રોજેક્ટ લાઈફ’ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને જોઈન્ટ ડિરેક્ટર મીતલ કોટિચા શાહ દ્વારા તેમને લાઈફ ગ્લોબલ યુકેના ચીફ પેટ્રન તરીકેની જવાબદારી વહન કરવાની વિનંતી કરવામાં આવી હતી. સીબી પટેલના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા સમાજના નબળા વર્ગને લાભ આપવાના મહાન ઉદ્દેશ સાથે પોતાના કાર્યક્ષેત્રનો પ્રસાર કરી શકશે તેવી લાગણી પણ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ: http://life4life.org.in/


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter