લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલે મહાશિવરાત્રિના પરમ ઉત્સવ નિમિત્તે નીસ્ડન મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો. તેમણે શ્રી નીલકંઠ વર્ણીની પિત્તળનો ઢોળ ચડાવેલી મૂર્તિ પર પણ જલાભિષેક કર્યો હતો.
યુકે અને યુરોપમાં BAPS ના વડા યોગવિવેકદાસ સ્વામીએ સીબી પટેલનું સ્વાગત કર્યું હતું. સીબીએ અબુ ધાબીમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા નવાં BAPS હિન્દુ મંદિર માટે હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાબતે હું ગર્વની લાગણી અનુભવું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ સનાતન ધર્મનું પ્રતીક છે. આ મંદિર સમાવેશિતા, વૈવિધ્યતા અને ધાર્મિક સહિષ્ણુતાને પોષવાની યુએઈની પ્રતિબદ્ધતાના પ્રદર્શન સાથે વૈશ્વિક એકતાનું પણ પ્રતીક છે.’
યોગવિવેકદાસ સ્વામીએ સીબી પટેલને પીઢ જર્નાલિસ્ટ વિક્રમ વોહરા દ્વારા લિખિત અને BAPS હિન્દુ મંદિર પાછળની કથા વર્ણવતાં પુસ્તક ‘એ મિલેનિઅલ મોમેન્ટ’ની ભેટ આપી હતી.


