સુભાષ ઠકરારને ICAEW દ્વારા પ્રતિષ્ઠિત એચિવમેન્ટ એવોર્ડ એનાયત

Wednesday 06th April 2022 02:14 EDT
 
 

લંડનઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઈન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ (ICAEW) દ્વારા પ્રોફેશનનો સૌથી પ્રતિષ્ઠિત આઉટસ્ટેન્ડિંગ એવોર્ડ સુભાષ વલ્લભદાસ ઠકરારને એનાયત કરાયો છે. આ એવોર્ડ લંડનની એશિયન બિઝનેસ કોમ્યુનિટી, યુકેના ઓવરસીઝ બિઝનેસ તેજ તેમની સખાવતી પ્રવૃત્તિઓ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન અને સિદ્ધિઓની કદર કરવા ICAEW દ્વારા આપવામાં આવ્યો છે.

સંસ્થા દ્વારા તેના સભ્યને કોઈ પણ કાર્યક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં લઈ એવોર્ડ એનાયત કરાય છે. અગાઉ, આ એવોર્ડ મેળવનારા મહાનુભાવોમાં સર કેનેથ કોર્ક, લોર્ડ બેન્સન, સર બ્રાયન કાર્સબર્ગ, સર બ્રિઆન જેન્કિન્સ, લોર્ડ કરન બિલિમોરીઆ, લોર્ડ વેકહામ, દીપક પરીખ, ડેમ મેરી કીગાન અને રુબી મેક્ગ્રેગર-સ્મિથનો સમાવેશ થાય છે.

સુભાષભાઈ ઠકરાર 1982માં સ્પાઈસર એન્ડ પેગ્લેર સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ક્વોલિફાય થયા હતા અને તે પછી તેઓ બ્લેકસ્ટોન ફ્રાન્ક્સમાં જોડાયા હતા જ્યાં તેઓ 1985માં તેમના પ્રથમ એશિયન પાર્ટનર બન્યા હતા. સુભાષભાઈએ બ્લેકસ્ટોન ફ્રાન્ક્સનું વડપણ સંભાળ્યું હતું અને 2013માં CBW સાથે મર્જર થયું હતું.

સુભાષભાઈ લંડન ચેમ્બર ઓફ કોમર્સનો હિસ્સો અને હાલ યુકેના બિઝનેસ કાર્યક્ષેત્રમાં ભારે વગશાળી સંસ્થા બનેલા એશિય બિઝનેસ એસોસિયેશન (ABA)ના સ્થાપક છે. તેઓ 2001થી 2004ના ગાળામાં ABAના ચેરમેન બન્યા હતા તેમજ 2010થી 2013ના ગાળા સુધી લંડન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન રહ્યા હતા.

સુભાષભાઈ ઠકરાર 1990ના દાયકાના મધ્યથી ભારતમાં બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃતિઓમાં સંકળાયેલા રહ્યા છે. તેમણે આફ્રિકા અને ભારતમાં યુકેના બિઝનેસને આગળ વધારવા વિવિધ સરકારી ટ્રેડ મિશન્સની આગેવાની સંભાળી છે. યુકે સરકારે 2019માં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને સલાહ આપવા સુભાષભાઈને કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા.

સુભાષભાઈએ OFWAT, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સ્મોલ બિઝનેસ પેનલ, કોમનવેલ્થ એજ્યુકેશન ફંડ અને વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ સહિતની જાહેર સંસ્થાઓમાં હોદ્દાઓ શોભાવ્યા છે. તેઓ સ્વૈચ્છિક સેવાના ક્ષેત્રમાં પણ સક્રિય છે. તેઓ એટલી સેન્ટરના ચેરમેન, જાસ્પર ફાઉન્ડેશન અને Three R’s Trust ના ટ્રસ્ટી હોવા ઉપરાંત, ચેરિટીઝને રેટિંગ્સ અને માર્ગદર્શન પૂરા પાડતી સ્વતંત્ર રેટિંગ સંસ્થા ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન તરીકે પણ કાર્યરત છે.

સુભાષભાઈ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં પ્રસંગોપાત વિશેષ રસના લેખો પણ લખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter