સુભાષ ઠકરારને OBE સન્માન બદલ અનૂપમ મિશન ખાતે અભિવાદન સમારોહ

આવું સન્માન વ્યક્તિઓ માટે નથી પરંતુ, તે આપણી કોમ્યુનિટીની વેલ્યુ વધારે છેઃ સુભાષ ઠકરાર, હું સમાજના કલ્યાણ માટે વધુ સમય અને શક્તિ ફાળવવા તૈયારઃ સુભાષ ઠકરાર, તેઓ સમાજના સર્વ વિભાગો માટે પ્રેરણારૂપ છેઃ પૂજ્ય અશ્વિન દાદા, સુભાષભાઈ મારા મિત્ર, ફીલોસોફર અને ગાઈડ છેઃ સી બી પટેલ, તેઓ સમાજના કલ્યાણ માટે પરિવર્તન લાવવા ઈચ્છે છેઃ સતીષ ચટવાણી

મહેશ લિલોરિયા Wednesday 26th June 2024 06:10 EDT
 
 

આફ્રિકામાં બ્રિટિશ વેપાર અને ઈન્વેસ્ટમેન્ટમાં સેવા આપવા બદલ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ ચેરમેન સુભાષ વી ઠકરારને કિંગના બર્થડે ઓનર્સ લિસ્ટમાં OBE (ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર) ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે અનૂપમ મિશન ડેનહામ ખાતે શુક્રવાર 21 જૂન, 2024ના રોજ મુબારકબાદી સમારંભનું આયોજન કરાયું હતું. પૂજ્ય સંત અશ્વિન દાદાએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. તેમણે અનૂપમ મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય સાહેબજીએ ખાસ મોકલાવેલી અયોધ્યાસ્થિત રામ મંદિરની કાષ્ઠ પ્રતિકૃતિ સાથે સુભાષભાઈનું સન્માન કર્યું હતું.

કિંગના બર્થડે ઓનર્સ લિસ્ટમાં સન્માન અને કોમ્યુનિટી દ્વારા અભિવાદન સંબંધે સુભાષભાઈ ઠકરાર OBEએ જણાવ્યું હતું કે, ‘હું વિનમ્રતા સાથે પૂજ્ય સાહેબજી, અશ્વિન દાદા અને અનૂપમ મિશન સંસ્થાનો આભારી છું. શુક્રવારની રાત્રે મને ઈલકાબ વિશે પુષ્ટિ મળી અને રવિવારે પૂજ્ય સાહેબજીએ કોલ કરી કહ્યું કે સુભાષભાઈ, જો તમે 10-15 મિનિટ અથવા તો જે પણ સમય આપી શકતા હો તો આ શુક્રવારે અનૂપમ મિશન ખાતે પ્રાર્થના સભામાં આવી જશો. અશ્વિન દાદા આવી રહ્યા છે. મેં વિચાર્યું કે માત્ર પ્રાર્થના સભા હશે પરંતુ, અહીં નિહાળ્યું કે આ તો માનવી પ્રત્યે આતિથ્ય, પ્રેમ અને સ્નેહની સરવાણી છે. હું સ્વામિનારાયણનો અનુયાયી નથી. હું સનાતની છું. હું ઠાકોરજીનો ભક્ત છું. પરંતુ, જે રીતે મારું અભિવાદન અને સન્માન કરાયું તે મારા માટે ઘણી મોટી વાત છે.’

સુભાષભાઈએ જણાવ્યું હતું કે, ‘પૂજ્ય સાહેબજી સાથે મારા વર્ષોથી સંબંધ છે અને હું તેમની સાથે આધ્યાત્મિક્તાથી જોડાયેલો છું. હું માનું છું કે આપણે કશું કરતા નથી, દરેક પગલાં પાછળ ઠાકોરજી જ હોય છે. સૌપ્રથમ આ એવોર્ડ પણ ઠાકોરજીના લીધે છે, બીજું આ એવોર્ડ મારા પત્ની રેખાનો છે. તે મારા માટે અડીખમ શિલા છે અને મને બધુ કાર્ય કરવા દે છે. હું ખરેખર સદ્ભાગી છું. તેમણે મને સુંદર પુત્રી કવિતા અને પુત્ર રવિ આપ્યાં છે. મારા જમાઈ રિકિન, મારા ગ્રાન્ડસન અને ગ્રાન્ડડોટર્સ પણ એવોર્ડ શેર કરવા મારી સાથે જ છે. આ એવોર્ડ મારા દાદી ગંગામાનો પણ છે જેઓ 101 વર્ષની વયે સાચે જ આધ્યાત્મિક વ્યક્તિ છે અને તેમનાં આશીર્વાદ મારા પર વરસતા રહે છે. મારા જીવનનો આધ્યાત્મિક હિસ્સો તેમનાં કારણે જ છે. મને મારા માતાપિતા વિઠલદાસ ઠકરાર, લલિતાબહેન, મારા અદા મોટાભા નાથાલાલ ઠકરાર અને રમિલાબહેન જેમણે મારી સંભાળ રાખી, મારા મામા કિશોરભાઈ, મામી મધુમામી અને વિજયા મામી, આ બધાની યાદ આવે છે.’

તેમણે ઉમેર્યું હતું કે, ‘આ એવોર્ડ આપણી લોહાણા કોમ્યુનિટી, રઘુવંશીઓ માટે છે. આ એવોર્ડ યુગાન્ડા માટે છે જ્યાં હું જન્મ્યો, જિન્જા અને કાકિરા માટે છે જ્યાં હું ભણ્યો. આ એવોર્ડ તમારા બધા માટે, એશિયન, રઘુવંશી, વ્યાપક ભારતીય કોમ્યુનિટી, હિન્દુ કોમ્યુનિટી માટે છે. આ આપણા બધા માટે છે કારણકે આવું સન્માન વ્યક્તિઓ માટે હોતું નથી પરંતુ, તેનાથી આપણી કોમ્યુનિટીની વેલ્યુ વધે છે. મારા જીવનમાં હજુ ઘણી બાબતો આવવાની બાકી હશે અને હું સમાજના કલ્યાણ માટે વધુ સમય અને શક્તિ ફાળવવા તૈયાર છું. આ હું ભગવદ્ ગીતામાંથી શીખ્યો છું - તમારું કાર્ય કરતા રહો અને ફળની ચિંતા કરશો નહિ. આપણા વડા પ્રધાન સુનાક પણ આ જ કહે છે.’

સંત પૂજ્ય અશ્વિન દાદાએ કહ્યું હતું કે,‘સુભાષભાઈનું સન્માન કરવાની તક સાંપડી તે આપણા માટે ગૌરવ છે. તેમણે કોમ્યુનિટીને આપેલી સેવાના આપણે ઋણી છીએ. હું સુભાષભાઈના પત્ની રેખાબહેનનો પણ આભાર માનવા ઈચ્છીશ કે તેમના લીધે જ સુભાષભાઈ તેમની ફરજો નિભાવી શક્યા છે. આ સુભાષભાઈના પરિવાર, રઘુવંશી સમુદાય, ગુજરાતી, ભારતીય અને સમસ્ત હિન્દુ સમુદાયોનું સન્માન છે. તમે સમાજના સર્વ વિભાગો માટે પ્રેરણારૂપ છો. પૂજ્ય સાહેબ દાદાએ તમારા માટે આ સન્માન યોજવાની પ્રેરણા આપી અને રામ મંદિરની કાષ્ઠ પ્રતિકૃતિ પસંદ કરી.’ અશ્વિન દાદાએ ઓછો ખોરાક, પૂરતી નિદ્રા અને અન્યો વિશે બિનજરૂરી ચિંતા નહિ કરવાની ગોલ્ડન સલાહ આપવા બદલ સીબી પટેલ પ્રતિ આભારની લાગણી પણ દર્શાવી હતી.

પ્રકાશક અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સીબી પટેલે જણાવ્યું હતું કે,‘સુભાષભાઈ મારા મિત્ર, ફીલોસોફર અને ગાઈડ છે. અમે 1983-84 થી સાથીઓ છીએ. તેમની ક્ષમતા અભૂતપૂર્વ છે, તેઓ લોહાણાનું તીક્ષ્ણ અને પ્રગતિશીલ વિઝન ધરાવે છે. ગત વર્ષે અમે કોમ્યુનિટીની સેવાના 50 વર્ષની ઊજવણી કરી ત્યારે મેં સુભાષભાઈને ગત 50 વર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આગામી 50 વર્ષને નજરમાં રાખી પુસ્તક લખવા વિનંતી કરી હતી અને તેમણે ‘આઈઝ ઓફ ટુમોરો’ પુસ્તક તૈયાર કર્યું હતુ. આપ સહુ જાણો છો તેમ ગુજરાત સમાચારના 52 વર્ષની ઊજવણી કરવા અમે એક-બે મહિનામાં પુસ્તક પ્રસિદ્ધ કરવાના છીએ. આ સ્પેશિયલ બુકમાં અમે સુભાષભાઈ ઠકરાર વિશે પણ ખાસ લેખ તૈયાર કર્યો છે.’ સીબીએ કહ્યું હતું કે,‘ આજે અનૂપમ મિશને તક ઝડપી સુભાષભાઈનું સન્માન કર્યું. તક ઝડપવાનું તમે સુપેરે જાણો છો. મારી લાયકાત ન હોવાં છતાં, મેં પૂજ્ય અશ્વિન દાદા અને સાહેબજીને થોડી સલાહ આપી છે. એક કોમ્યુનિટી તરીકે અમારે તમારા જેવા પથપ્રદર્શકની લાંબો સમય જરૂર છે. મારો પ્રથમ મુદ્દો આરોગ્યની મહત્તમ કાળજી લેવાનો અને તે માટે આહાર પર નિયંત્રણનો છે. કોઈક વધુ ખોરાક આપે ત્યારે ના પાડતા શીખવું જોઈએ. બીજું પૂરતી ઊંઘથી આરોગ્યમાં વૃદ્ધિ થશે. ત્રીજો મુદ્દો એ કે અનૂપમ મિશન યુકે વિશે ચિંતાની જરૂર નથી, આપણે સક્ષમ હાથોમાં છીએ.’

અનૂપમ મિશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ સતીષ ચટવાણીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે,‘સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં કોમ્યુનિટીના કલ્યાણ માટે કામ કરતા લોકોની હંમેશાં કદર અને સન્માન કરવાનું જણાવ્યું છે. આવા લોકોનું સન્માન કરવું તે આપણી ભક્તિ અને સેવા છે. પૂજ્ય સાહેબજીએ સુભાષભાઈનું સન્માન ગુણાતીત સંતની ઉપસ્થિતિમાં થાય તેનો આગ્રહ રાખ્યો હતો અને અશ્વિન દાદા આશીર્વાદ આપવા અહીં આવ્યા છે. સુભાષભાઈ જે કાર્ય કે પ્રોજેક્ટમાં સંકળાયેલા હોય તેમાં હંમેશાં તફાવત સર્જે છે. તેઓ સમુદાયના કલ્યાણ માટે પરિવર્તન લાવવા ઇચ્છે છે.’

ઈવેન્ટના ઉદ્ઘોષિકા ભાવિષા ટેઈલરે સુભાષભાઈના પત્ની રેખાબહેન ઠકરારનું સન્માન કર્યું હતું. સી બી પટેલ, સતીષ ચટવાણી, હિમત સ્વામી અને વિનોદ નાકરજાએ પણ સુભાષભાઈનું સન્માન કર્યું હતું. વિનોદભાઈ પટેલે ભજનો ગાયા હતા. વિનોદભાઈ નાકરજાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

સાહેબજી જુલાઈના અંત સુધીમાં લંડન આવશે

આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતાં ઉદ્ઘોષિકા ભાવિષા ટેઈલરે જાહેર કર્યું હતું કે ગુરુહરિ સાહેબજી જુલાઈના અંત સુધીમાં લંડન આવી પહોંચશે. ગુરુપૂર્ણિમાની ઊજવણી રવિવાર 28 જુલાઈના દિવસે યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter