લંડનઃ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂ ધરાવતા સેંકડો ડોક્ટર્સ તેમના કામના સ્તળે કોવિડથી હજુ અસલામતી અનુભવે છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ના સર્વેમાં BAME ડોક્ટર્સના ૭૨ ટકાએ તેઓ અંશતઃ અથવા તદ્દન અસલામત હોવાની લાગણી દર્શાવી હતી. શ્વેત ડોક્ટર્સમાં આવી લાગણી વ્યક્ત કરનારા ૬૦ ટકા હતા. BMA દ્વારા ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૭,૭૭૬ મેડિકલ પર્સોનલ્સનો સર્વે કરાયો હતો.
BMA કાઉન્સિલના ચેરમેન ડો. ચાંદ નાગપોલે જણાવ્યું હતું કે,‘ હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સ, BAME અથવા કોઈ પણ, તેમના વર્કપ્લેસ અને ખાસ કરીને જ્યાં અન્ય લોકોનાં જીવ બચાવવાનું કામ થતું હોય તેવા NHSમાં અસલામતી અથવા મોત કે રોગથી જોખમ અનુભવે તેવી સ્થિતિ આ દેશમાં હોવી ન જોઈએ.’ BMAએ એમ પણ જણાવ્યું હતું કે BAME મતદારોના અડધાથી ઓછાં (૪૬ ટકા)એ કહ્યું હતું કે તેમના એમ્પ્લોયર્સે વાઈરસથી તેમના જોખમ સ્તરનું મૂલ્યાંકન કર્યું હતું અને તેમની ભૂમિકા બાબતે જરુરી સુરક્ષા કાર્યવાહી કરાયાનો વિશ્વાસ હતો.
સર્વેના તારણો અનુસાર ૧૪ ટકાએ મૂલ્યાંકન ન થયાનું જ્યારે ૧૫ ટકાએ મૂલ્યાંકન છતાં, સલામતી પગલા અપડેટ થવા જરુરી હોવાનું જણાવ્યું હતું. અડધાથી વધુ (૫૫ ટકા) શ્વેત ડોક્ટર્સે જોખમનું યોગ્ય મૂલ્યાંકન કરાયું હોવાનું જણાવ્યું હતું જ્યારે, માત્ર ૭ ટકાએ તેમના એડજસ્ટમેન્ટ્સ ફરી કરવા જરુરી હોવાનું કહ્યું હતું.
તાજેતરમાં BMJ Open જર્નલમાં પ્રસિદ્ધના વધુ એક અભ્યાસમાં એશિયન અને અશ્વેત વંશીયતાના પેશન્ટ્સમાં કોવિડ-૧૯થી અકાળે મોતના અપ્રમાણસર દરના તારણો જોવાં મળ્યાં છે. બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટની પાંચ હોસ્પિટલોમાં ૧ જાન્યુઆરીથી મે ૨૦૨૦ના ગાળામાં દાખલ ૧૮૦૦ પેશન્ટ્સ પર આધારિત સંશોધનમાં જણાયું હતું કે શ્વેત દર્દીઓની સરખામણીએ વંશીય લઘુમતી પશ્ચાદભૂના પેશન્ટ્સ યુવાન અને ઓછાં નાજૂક હતા. અન્ય તારણ એ હતું કે ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવા પડે અને મિકેનિકલ વેન્ટિલેશનની જરુર પડે તેવા અશ્વેત પેશન્ટ્સ ૧.૮ ગણા અને એશિયન પેશન્ટ્સ ૧.૫૪ ગણા હોવાની શક્યતા હતી. ઉંમર, જાતિ, સ્થૂળતા, ધૂમ્રપાન અને નબળાઈ જેવા પરિબળોને એડજસ્ટ કર્યા પછી શ્વેત પશ્ચાદભૂના દર્દીઓની સરખામણીએ ૧.૪૯ ગણા એશિયનો અને ૧.૩ ગણા અશ્વેતો કોવિડ -૧૯થી મોતનો શિકાર થવાની વધુ શક્યતા હતી.


