લંડનઃ ગ્રેટર માન્ચેસ્ટર સહિતની કેટલીક કાઉન્સિલોએ વધુ શરણાર્થીઓને પોતાને ત્યાં વસાવવા ઈનકાર કરતા હોમ ઓફિસે તેમને સાઉથ ઈસ્ટ મોકલવા નિર્ણય લીધો છે. માત્ર ૧૨૦ સ્થાનિક ઓથોરિટી શરણાર્થીઓને વસાવવા તૈયાર થઈ હતી, જ્યારે ૧૮૦ ઓથોરિટીઝ દ્વારા કોઈ શરણાર્થી લેવાયાં નથી.
હોમ ઓફિસના નવા નિર્ણયના પરિણામે, વડા પ્રધાનની પોતાની લોકલ ઓથોરિટી વિન્ડસર એન્ડ મેઈડનહીડ સહિત અનેક નાના શહેરોએ પ્રથમ વખત વિદેશી એસાઈલમ સીકર્સને પોતાને ત્યાં વસાવવા પડશે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે વધુ શરણાર્થી લેવા ઈનકાર કરતો પત્ર હોમ સેક્રેટરી સાજિદ જાવિદને લખ્યા પછી આ નિર્ણય લેવાયો હતો.
શરણાર્થીઓને વહેંચી દેવાની વર્તમાન પદ્ધતિ અનુસાર દેશમાં શરણ માગતા અરજદારોના ૨૫ ટકાને નોર્થ વેસ્ટમાં સ્થાન અપાય છે, જેમાંથી ૭૦ ટકાને ગ્રેટર માન્ચેસ્ટરમાં રહેઠાણ ફાળવવામાં આવેલ છે. તાજા આંકડા મુજબ ગ્રેટર માન્ચેસ્ટરમાં ૬,૬૮૧ એસાઈલમ સીકર્સને સપોર્ટ અપાયો છે, જે ૨૦૦૩ પછી ૧૦૨ ટકાનો વધારો સૂચવે છે.

