લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં સેન્ટ લ્યુક્સ હોસ્પિસના સમર્થકો ૧૨ જુલાઈ, બુધવારના દિવસે હોસ્પિસની ૩૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે બપોરની ચા માણવા એકત્ર થયા હતા. સેન્ટ લ્યુક્સ હોસ્પિસ દ્વારા અપાતી હોમ સર્વિસીસ તેમજ પેશન્ટ્સ, સારસંભાળ લેનારા અને હેલ્થ કેર પ્રોફેશનલ્સ માટે સિંગલ પોઈન્ટ ઓફ એક્સેસ સેવા વિશે જાગૃતિ કેળવવામાં મદદ કરવા પ્રતિષ્ઠિત હાઉસ ઓફ લોર્ડ્સમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં સેન્ટ લ્યુક્સ હોસ્પિસને ભારે ગર્વ થયો હતો. સિંગલ પોઈન્ટ ઓફ એક્સેસ સેવામાં સપ્તાહના સાતેય દિવસ અને ૨૪ કલાક હેરોમાં જીવનની આખરી સુધીની સંભાળ, સલાહ અને સપોર્ટ માટે એક જ નંબર પર કોલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સામાન્ય રીતે પરિવારો ચિંતાતુર થઈ ગભરાટ સાથે ઈમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવે છે, અને જરૂર ન હોય તો પણ પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરી દેવાય છે. ઘણી વખત પેશન્ટને જીવનની અંતિમ પળો ઘરમાં જ વીતાવવાની ઈચ્છા હોવા છતાં તેમનું મૃત્યુ હોસ્પિટલમાં જ થાય છે.
કોમ્યુનિટીના અગ્રણીઓ અને હોસ્પિસના ચાવીરુપ સમર્થકો ગૃહમાં તેમની બપોર પછીની ચાનો આસ્વાદ માણતા હતા ત્યારે લોર્ડ ડોલર પોપટે તેમના દિલમાં હોસ્પિસનું શું સ્થાન છે તથા કોમ્યુનિટીમાં સેન્ટ લ્યુક્સ હોસ્પિસની ભૂમિકાના મહત્ત્વ વિશે વાત કરી હતી. બેરોન હોવાર્ડ ઓફ લીમ્પને અને હોસ્પાઈસ યુકેના અધ્યક્ષ માઈકલ હોવાર્ડે હોસ્પિસ આંદોલનમાં નોંધપાત્ર વિકાસ તેમજ ગત ૩૦ વર્ષના ગાળામાં સેન્ટ લ્યૂક્સની સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું.
સેન્ટ લ્યૂક્સ લંડનના બે સૌથી વૈવિધ્યપૂર્ણ બરોઝની સેવા કરે છે તેમજ તેમના પેશન્ટ્સની વ્યક્તિગત તબીબી, માનસિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જરુરિયાતોની ઓળખ કરવા અને તેની પરિપૂર્ણતા માટે તેમની સાથે કામ કરે છે.
હજુ પણ દર વર્ષે સેંકડો લોકોનાં મૃત્યુ હોસ્પિટલમાં થાય છે, જ્યારે તેમની ઈચ્છા ઘરમાં જ શાંતિથી મૃત્યુ પામવાની હોય છે. સેન્ટ લ્યૂક્સ વધુ પ્રમાણમાં આવા લોકો સુધી પહોંચવા કાર્યરત છે. સેન્ટ લ્યુક્સ હોસ્પિસની સિંગલ પોઈન્ટ ઓફ એક્સેસ સેવામાં તાલીમબદ્ધ નર્સીસ દ્વારા કોલ્સ લેવામાં આવે છે, જેઓ સાચી સલાહ અને આશ્વાસન આપી શકે છે, દર્દીના વતી તેમના હેલ્થ કેર પ્રોફેશનલનો સંપર્ક કરવા પ્રયાસ કરે છે અને આવશ્યક જણાય તો તબીબી સંભાળ અને સપોર્ટ આપવા તેમની નિષ્ણાત રેપિડ રિસ્પોન્સ ટીમને પણ મોકલી આપે છે. આના પરિણામે, પેશન્ટની સારસંભાળ ઘેર જ લઈ શકાય છે અને જેના કારણે પેશન્ટને ઘરમાં રહેવાની ઈચ્છા વિરુદ્ધ હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી 999ને કોલ કરવાની જરૂરિયાત ટળે છે.
સેન્ટ લ્યૂક્સ ચેરિટી આ સેવાની વધતી માગને પહોંચી વળવા વધુ નર્સીસ અને હેલ્થ કેર સહાયકોની ભરતી કરવા હાલ ભંડોળ એકત્ર કરી રહી છે.


