સેરેબ્રલ પાલ્સીથી પીડિત પુત્રના અભ્યાસ માટે ચાર વર્ષથી કાઉન્સિલ સામે લડતા પિતા

નવીન ઘારયાલ Wednesday 19th January 2022 04:57 EST
 

લંડનઃ સેરેબ્રલ પાલ્સી ડિસઓર્ડરથી પીડાતા ૧૬ વર્ષીય પુત્ર મીત પુરી માટે સ્થાનિક શાળામાં શિક્ષણ પુરું પાડવામાં નિષ્ફળ હર્ટફોર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલ સામે ૪૪ વર્ષના પિતા વિજય પુરી છેલ્લા ચાર વર્ષથી લડત ચલાવી રહ્યા છે. મીત સેરેબ્રલ પાલ્સીની જન્મજાત ખામી ધરાવે છે જેમાં વ્યક્તિના હલનચલન, સંતુલન જાળવવા અને શરીરનું પોશ્ચર જાળવવામાં ભારે તકલીફ પડે છે.

વિજય પુરી ૨૦૧૭માં હર્ટફોર્ડશાયર કાઉન્ટીમાં રહેવા આવ્યા હતા અને તેમને કહેવાયું હતું કે જગ્યાના અભાવે કાઉન્સિલ મીના શિક્ષણ માટે સ્થાનિક શાળાની વ્યવસ્થા કરી શકે તેમ નથી. મીતને હર્ટફોર્ડશાયરથી કારમાં ૪૫ મિનિટની યાત્રા કરવી પડે તેટલે દૂર બ્રેન્ટની શાળામાં પ્રવેશ અપાયો હતો. સ્થાનિક શાળામાં જગ્યા ખાલી થતાં સાથે જ મીતને ત્યાં પ્રવેશ અપાવવાનો પ્રયાસ કરાશે તેમ કાઉન્સિલ દ્વારા કહેવાયું હતું. જોકે, સાઉથ ઓક્સહેમાં રહેવાના ૪ વર્ષ થવાં છતાં, હર્ટફોર્ડશાયર કાઉન્સિલે કોઈ પણ સ્થાનિક શાળામાં મીતના પ્રવેશ માટે વ્યવસ્થા કરી નથી. આ વર્ષોમાં કાઉન્સિલ સાથે સંપર્કના સંખ્યાબંધ પ્રયાસ પછી પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

મિ. પુરીને એમ લાગે છે કે કાઉન્સિલ દ્વારા તેમના પુત્ર અને પરિવાર સાથે ભેદભાવ થઈ રહ્યો છે. ગત ચાર વર્ષમાં કોઈ સ્થાનિક શાળામાં કોઈ જગ્યા ખાલી જ ન પડે અને કાઉન્સિલ વિશેષ જરૂરિયાત વિનાના બાળકો સાથે તેમના પુત્રની શાળાએ અવરજવરની સરખામણી કેવી રીતે કરી શકે તેનું તેમને આશ્ચર્ય થાય છે.

હર્ટફોર્ડશાયર કાઉન્સિલે મીતને શાળાએ અવરજવર માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી હતી પરંતુ, આ વર્ષની શરૂઆતમાં જ પુરીને કહેવાયું હતું કે મીતની ઉંમર ૧૬ વર્ષ થઈ ગઈ હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચમાં યોગદાન તરીકે ટર્મદીઠ ૫૧૮ પાઉન્ડ આપવાના રહેશે. સ્વાભાવિક રીતે જ પુરી પરિવાર માટે ૫૧૮ પાઉન્ડની રકમ ઘણી મોટી છે. જો ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ફાળો નહિ અપાય તો મીતને અન્ય બાળકોની માફક શાળાએ જવા-આવવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં શાળાએ જવા માટે બે કલાકથી વધુ સમય લાગી જશે અને સેરેબ્રલ પાલ્સીથી પીડાતા મીત માટે શારીરિક અને માનસિક તણાવ અસહ્ય બની જશે.

ક્રિસમસના એક સપ્તાહ અગાઉ જ કાઉન્સિલ દ્વારા મીતના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા બંધ કરી દેવાઈ છે અને મિ. પુરી કાઉન્સિલનો સંપર્ક કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. મીત બે સપ્તાહથી શાળાએ જઈ શક્યો નથી અને ભારે નિરાશા અનુભવે છે. કાઉન્સિલ અને એજ્યુકેશન મિનિસ્ટ્રીને તેની કોઈ દરકાર નહિ હોવાનું જણાય છે.

મિ. પુરી કહે છે કે કાઉન્સિલ દ્વારા કોઈ પ્રતિભાવ અપાતો નથી પરંતુ, થોડા દિવસ પહેલા તેમને કાઉન્સિલર ક્રિસ્ટોફર એલીનો ઈમેઈલ મળ્યો હતો જેમાં કહેવાયું છે કે તેઓ ‘કોઈ વચન આપતા નથી પરંતુ, તમારા પુત્રના ટ્રાન્સપોર્ટ સંબંધે હર્ટફોર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલના નિર્ણય બાબતે ખુલાસો મેળવવાનો પ્રયત્ન કરીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter