સેવક પ્રોજેક્ટઃ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધા મજબૂત કરવા અભિયાન

Wednesday 30th September 2020 06:14 EDT
 
કેપ્ટન ઠાકોર જી. પટેલ, મેડિકલ કોર્પ્સ, યુએસ નેવી (રિટાયર્ડ)
 

સેવક પ્રોજેક્ટની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી)ના સહકારથી ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યલક્ષી જાગૃતિ તથા માળખાલક્ષી સુવિધા માટે વર્ષ ૨૦૧૦માં કરવામાં આવી હતી. સેવક પ્રોજેક્ટ વર્તમાનમાં ભારતના ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા અને બિહારના ૩૩ જિલ્લાના ૧૧૦થી વધુ ગામડાં ઉપરાંત, દક્ષિણ અમેરિકાના ગુયાનાના ૧૨ ગામોમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટ યુ.એસ. નેવીના ઈન્ડિપેન્ડન્ટ ડ્યૂટી કોર્પ્સમેન પર આધારિત છે.
આ પ્રોજેક્ટના આરંભ સાથે જ આરોગ્યસંભાળ સુધી પહોંચ સાથે ૧૦૦,૦૦૦ કરતાં વધુ લાભાર્થીઓમાં આરોગ્યલક્ષી જાગૃતિનું સર્જન કરાયું છે. સંસ્થાની ‘સેવક- SEVAK’ ટીમ ગ્રામીણ અને કચડાયેલા સમુદાયો માટે આરોગ્યસંભાળની જાગૃતિ અને શિક્ષણમાં સુધારા માટે તત્પર રહે છે. આ માટે તાલીમબદ્ધ ગ્રામવાસીની મદદ લેવાય છે જેઓ, જીવનશૈલીમાં સુધારણા, આરોગ્યની તપાસ અને આવશ્યક જણાય ત્યાં નિષ્ણાત સારસંભાળની ભલામણ કરવા માટે જાહેર આરોગ્યનું શિક્ષણ પુરું પાડે છે. આરોગ્યસંભાળની સુવિધા ઉપરાંત, તેઓ ગામડાંમાં સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી અને માતા અને બાળકોનાં આરોગ્યની બાબતો પર પણ દેખરેખ રાખે છે. આ પ્રમાણે સેવકો ગ્રામવાસીઓની આરોગ્યસંભાળની તમામ સમસ્યાઓ માટે સંપર્કનું કેન્દ્ર બની રહે છે અને તેમને કોમ્યુનિટી હેલ્થ ક્લિનિક, જિલ્લાની હોસ્પિટલો તથા ખાનગી તબીબો સાથે સંપર્કની મદદ પણ પૂરી પાડે છે. સેવકો વાસ્તવિક રીતે, ઘરોમાં શૌચાલય અને જળસ્રોતો જેવી ઘરેલુ સુવિધાઓ પર દેખરેખ રાખવા સહિત વ્યક્તિઓના આરોગ્યવિષયક માપદંડના સાચા ડેટા મેળવવાની સ્થિતિમાં હોય છે.
તાલીમ અપાયા પછી ‘સેવક’ને બ્લડ પ્રેશર તથા બ્લડ ગ્લુકોઝ મશીન, વજન કરવાનો કાંટો, માપપટ્ટી સાથેની મેડિકલ કિટ તેમજ ડેટા કલેકશન અને ગામવાસીઓને પાયાનું શિક્ષણ આપવા અને IIT મુંબઇ દ્વારા તૈયાર કરાયેલા વીડિયો ટ્યૂટોરિયલ્સ મારફત જાગૃતિ કેળવવા લેપટોપથી સજ્જ કરવામાં આવે છે.
હેલ્થ ઇકોસિસ્ટમ બહેતર બનાવવા માટે સેવક દ્વારા ગ્રામજનોની બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ટ્યુબરકલોસિસ (ક્ષય) અને સ્થુળતાની તપાસ કરવામાં આવે છે તેમજ ઘર કરી ગયેલા (ક્રોનિક) રોગ, ઇમ્યુનાઇઝેશન અને જીવનશૈલીમાં ફેરફાર જેવા વિષયો અંગે અંગત સલાહ સૂચન આપવામાં આવે છે. સેવક ગામડાંમાં જઈ કન્સલ્ટેશન તથા સ્ક્રીનિંગ માટે ગ્રામજનોની વ્યક્તિગત મુલાકાતો લે છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સેવકને ખાસ દર્દીઓની ઓળખ કરી તેમને યોગ્ય સારવાર માટે નિષ્ણાત તબીબ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવા અંગે સજ્જ કરવામાં આવે છે.
SEVAK પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાસુવિધા પૂરી પાડવાના પૂરવાર થયેલા ટ્રેક રેકોર્ડ સાથે અનોખો ગ્રામીણ મંચ – પ્લેટફોર્મ છે. આ પ્રોજેક્ટ ખાતરીબદ્ધ હકારાત્મક પરિણામો સાથે ટેકનોલોજી અને માનવમૂડીનું વિશિષ્ટ સંમિશ્રણ છે જેમાં, સમગ્ર કાર્યવાહી પર સંપૂણ દેખરેખ અને અંકુશ રાખવામાં આવે છે. સેવક પ્રોજેક્ટ હેઠળના ગામોમાં રીવર્સ ઓસ્મોસિસ (RO) પ્લાન્ટ સ્થાપવાની ચોકસાઈ અર્થે સેવક પ્રોજેક્ટની વોશિંગ્ટન ડી.સી.સ્થિત WHEELS - વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન સાથે ભાગીદારી છે. અત્યાર સુધી સ્થાપિત દસ પ્લાન્ટ થકી ૨૦ લીટર પાણીની એક બોટલનું વેચાણ ફક્ત પાંચ રૂપિયામાં કરાય છે. કોમ્યુનિટીના મૂલ્યાંકન અને જરૂરિયાતના આધારે વધુ RO પ્લાન્ટ્સ સ્થાપવાનું આયોજન છે. સેવકોના પ્રયાસોના લીધે SEVAK પ્રોજેક્ટ સ્પોન્સર્ડ ગામોમાં ૮૫થી ૧૦૦ ટકા ઘરમાં શૌચાલયની સુવિધા મળી છે.
સેવકો દ્વારા આ પ્રોજેક્ટ હેઠળના તમામ ગામોને ક્ષયરોગ મુક્ત બનાવવા માર્ગદર્શ અને સારવાર પૂરી પાડવાની નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે. આ પહેલ ‘Collaboration to Eliminate Tuberculosis among Indians (CETI)’ સાથે ભાગીદારીમાં છે. સેવક પ્રોજેક્ટ ભારતના WIN ફાઉન્ડેશન સાથે મળીને Maternal Child Health – માતા અને બાળકના આરોગ્યમાં પણ સંકળાયેલો છે. સેવકોને ૧૧-૪૦ વયજૂથની મહિલાઓમાં હીમોગ્લોબિનનું લેવલ ચકાસવાની તાલીમ પણ આપવામાં આવે છે. લોહતત્વ (આયર્ન)નું પ્રમાણ ઓછું હોય તેવા એનેમિયાગ્રસ્તોને આયર્ન અને વીટામિન્સ દ્વારા સારવાર અપાય છે. આ પછીનું કદમ સમગ્ર પરિવારમાં આયર્નનું પ્રમાણ જાળવવા અને તેની ઉણપ દૂર કરવા માટે પૂરક આયર્ન (રાંધવા દરમિયાન વિશેષ પ્રકારની આયર્ન મિર્ચી સામેલ કરી) પૂરું પાડવાનું છે. સેવક પ્રોજેક્ટ ગ્રામીણ ભારત તેમજ અન્યત્ર શ્રેષ્ઠ આરોગ્યસુવિધા પૂરી પાડીને તંદુરસ્ત સમુદાયોનું નિર્માણ કરવા કટિબદ્ધ છે.
સેવક પ્રોજેક્ટની વધુ એક પહેલ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને વ્યાવસાયિક તાલીમ ઉભી કરવાની છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં નવલગઢ ખાતે સેવકો પાસેથી જાણવા મળ્યું કે કેટલીક છોકરીઓ ધોરણ ૮ પછી શાળામાં અભ્યાસ કરતી ન હતી કારણકે તેમને બસમાં ૧૫ કિલોમીટર દૂર ધ્રાંગધ્રા જવું પડે તેમ હતું. કેટલાક પરિવાર પોતાની દીકરીઓ ભીડવાળી બસોમાં શાળાએ જાય તેમ ઈચ્છતા ન હતા. આ બાળાઓને સિલાઈકામ શીખવાની ઈચ્છા હતી. સ્થાનિક રોજગારી ઉભી થાય અને જથ્થાબંધ ટી-શર્ટ્સ, માસ્ક બનાવવાની તક મળે તે માટે ગામડામાં જ આ બાળાઓ માટે સિલાઇ વર્ગની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાકાલાવડમાં સેવકો સ્થાનિક મહિલાઓ માટે રોજગારી ઉભી કરવા માગતા હતા. અમે વાજબી ભાવે નેપકિનના પેકેટ પૂરાં પાડવા માટે સેનિટરી નેપકિન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી જેનાથી, ગામડાની ૧૦ મહિલાને સ્થાનિક નોકરી મળી હતી. ડાંગમાં સેવકોના ઘરમાં વધુ એક સિલાઈ કેન્દ્ર સ્થાપવાનું આયોજન છે.
સેવક પ્રોજેક્ટની કામગીરીની AAPI, GOPIO, WHEELS તેમજ અન્ય ફાઉન્ડેશનો દ્વારા ભારે પ્રશંસા કરાઈ છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન સેવકો દ્વારા વિવિધ સરકારી તથા અન્ય સંસ્થાઓ સાથે મળીને ભોજનનું વિતરણ કરવા ઉપરાંત, સામાજીક અંતર, માસ્ક, હાથ ધોવા તથા સામાન્ય સ્વચ્છતા વિશે શિક્ષણની કામગીરી કરાઈ હતી. વડોદરામાં પણ સેવક પ્રોજેક્ટ દ્વારા ઝૂંપડપટ્ટીઓમાં ભોજનની ખરીદ અને વિતરણ કરવા અન્ય સ્વૈચ્છિક સંસ્થા (NGO)ને મદદ કરાઈ છે.
સેવક ફાઉન્ડેશન 501(c)3 હેઠળ બિનનફાકારી ચેરિટી સંસ્થા છે. યુએ નેવીના મેડિકલ કોર્પ્સના કેપ્ટન (નિવૃત્ત) અને સેવક ફાઉન્ડેશન, Incના ચેરમેન ઠાકોર જી. પટેલ, MD, MACP, જનરલ મેનેજર વિરેન કે. પટેલ, સેવક વેબ મેનેજર્સ કુણાલ એસ. પટેલ અને રોહિન કે. પટેલ તેમજ રણજીતા મિશ્રા PhD, CHES, FASHA દ્વારા સેવક પ્રોજેક્ટ પર દેખરેખ રાખવામાં આવે છે.
જો કોઈને દાન કરવાની ઈચ્છા હોય તો તમારો ચેક Sevak Foundation, Inc,10980 Rice Field Place, Fairfax Station, VA 22039, USAને મોકલી આપશો અથવા વેબસાઈટ www.sevakproject.org ની મુલાકાત લઈ ‘donate’નું બટન દાબી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter