સેવા સમર્પિત સમાજસેવક આર.યુ. (રમેશભાઇ) પટેલની ચિરવિદાય

Wednesday 03rd February 2021 05:35 EST
 
 

દુનિયામાં કશું જ સનાતન નથી; જે આવે છે તે જાય છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઇ ગયું હોય છે પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે.
એક ખેલદિલ માણસ, 'સમાજ પહેલો બાકી બધું પછી'નો ભેખ ધારણ કરનાર શ્રી રમેશભાઇ ઉમેદભાઇ પટેલ જેઓ "આર.યુ.”ના હુલામણા નામે જાણીતા હતા. તેઓએ લંડન રોયલ ફ્રી હોસ્પિટલમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાત્રે ૧૧.૨૦ કલાકે આ ફાની દુનિયાને અલવિદા કરી આપણી વચ્ચેથી ચિરવિદાય લઇ લીધી છે. સમગ્ર પાટીદાર સમાજ તેમજ ગુજરાતી-ભારતીય સમાજમાં ભાગ્યે જ કોઇ આર.યુ. પટેલના નામથી અજાણ હશે.
આણંદના મૂળવતની રમેશભાઇ પટેલનો જન્મ તા.૩૦ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ એક શિક્ષક પિતા ઉમેદભાઇને ઘરે થયો હતો. બાળપણ આણંદમાં વિતાવી તેમણે કેન્યા તથા યુગાન્ડામાં વસવાટ કર્યો. કંપાલામાં રંગ બનાવવાનો ઉદ્યોગ સ્થાપી સફળતા મેળવી. ૧૯૬૪ના જુલાઇમાં તેમણે કુસુમબેન સાથે કંપાલામાં લગ્ન કર્યાં. તેમના સુખી દાંમ્પત્ય જીવનમાં ત્રણ સંતાન અપેક્ષા, વિમલ અને દિપેક્ષાનો જન્મ થયો. ૧૯૭૨માં ઇદી અમીનના દેશ છોડોની હાકલને સ્વીકારીને તેઓ સહપરિવાર યુ.કે. આવ્યા અને બ્રેન્ટ બરોના કિંગ્સબરીમાં સ્થાયી થયા.
યુ.કે.માં વસતા ઇન્ડિયન જનતાના હિત માટે રમેશભાઇ (આર.યુ)એ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન તેમજ સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) અને આણંદ ઓવરસીઝ બ્રધરહુડ'ની સ્થાપનામાં ભગીરથ ફાળો આપ્યો. તદુપરાંત ભારતીય વિદ્યાભવન અને ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશનમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આણંદ ઓવરસીઝ બ્રધરહુડ તેમજ સત્તાવીશ ગામ પાટીદાર સમાજના સેક્રેટરી પદે રહીને તેઓએ પ્રસંશનીય સેવા પ્રદાન કરી સંસ્થાને ખૂબ જ મજબૂત બનાવી છે.
યુ.કે.ના સ્ટેજ પર સૌ પ્રથમ રજૂ થયેલ 'મીરા શ્યામ દુલારી', ભક્ત નરસૈયો હરિનો', કુંવરબાઇનું મામેરુ', કૃષ્ણ સુદામા' જેવી નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતીય વિદ્યાભવનના સ્ટેજ પર રજૂ થતા નાટકો અને નૃત્ય કાર્યક્રમોમાં પણ આર.યુ.નું ખૂબ અનુદાન રહ્યું છે. યુ.કે.ની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. સ્વભાવે ખુબ જ લાગણીશીલ, પ્રેમાળ, પ્રમાણિક અને નિ:સ્વાર્થ આર.યુ. પટેલ હરકોઇને મદદ કરવા તત્પર રહેતા. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ મહત્વનું છે, વ્યક્તિ સદકર્મો દ્વારા એની પાછળ ધૂપસળીની જેમ એના કર્મોની સુવાસ મૂકી જાય છે, એમાંનું એક સદકર્મી વ્યક્તિત્વ એ રમેશભાઇ (આર.યુ.)પટેલ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter