લંડનઃ રેક્સહામ ખાતે 2020ના સપ્ટેમ્બરમાં બુકાનીધારી લૂંટારાઓએ ધોળા દિવસે લૂંટની ઘટનામાં મૂળ ભારતીય મહિલા બરિન્દરજિત ધાલિવાને સોનાના ઘરેણા નહિ અપાય તો તેમની આઠ સપ્તાહની બાળકીને મારી નાખવાની આપેલી ધમકીના કેસમાં કોર્ટે ત્રણ લૂંટારાને સજા ફરમાવી છે. વેલ્સમાં મોલ્ડ ક્રાઉન કોર્ટ ખાતે મંગળવાર, 31 મેના દિવસે જ્હોન પ્રાઈસ (22), સ્કોટ પોવેલ (23) અને પેટ્રિક ફ્લીન (19)ને સપ્ટેમ્બર 2020ની ઘટનામાં ભૂમિકા બદલ જેલની સજા ફરમાવાઈ હતી. જજ નિકોલસ પેરીએ પ્રાઈસને સાડા સાત વર્ષ, રેક્સહામના ફ્લીનને 6 વર્ષ અને બે મહિના તેમજ રેક્સહામના જ પોવેલને એક વર્ષ અને નવ મહિનાની સજા ફરમાવી હતી.
એશિયનોના ઘરમાં સોનાની જ્વેલરી રખાય છે તેમ માનતા ત્રણ બુકાની બાંધેલા લૂંટારાએ રેક્સહામની ભારતીય મહિલાના ઘેર દરોડો પાડ્યો હતો તેવી રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. એક લૂંટારાએ સિઝેરિયન શસ્ત્રક્રિયામાંથી સાજા થઈ રહેલાં ફાર્માસિસ્ટ શ્રીમતી બરિન્દરજિત ધાલિવાને પેટમાં મુક્કા મારી તેમની આઠ સપ્તાહની નવજાત બાળકીને આંચકી લીધી હતી. શ્રીમતી ધાલિવાએ બાળકીને ઈજા નહિ કરવા વિનંતીઓ કરી હતી અને જ્વેલરી બોક્સ બતાવી દીધું હતું જે લઈને લૂંટારા નાસી છૂટ્યા હતા.
અગાઉની સુનાવણીમાં પ્રાઈસ અને ફ્લીને લૂંટના કાવતરાનો અને પોવેલે અપરાધીઓને સાથ આપવાનો ગુનો કબૂલ્યો હતો. પ્રોસીક્યુટર સિમોન મિન્ટ્ઝે કહ્યું હતું કે ચાર પુરુષો બ્લેક ફોક્સવેગનમાં આવ્યાનું અને દરવાજે ટકોરા મારતા હોવાનું CCTV ફૂટેજમાં દેખાય છે. મિસિસ ધાલિવાએ દરવાજો ખોલ્યો ન હતો પરંતુ, થોડાં સમયમાં કાચ તૂટવાનો અવાજ આવ્યો હતો અને સર્જિકલ માસ્ક્સ અને કાળા વસ્ત્રો પહેરેલી ગેન્ગના માણસો પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસ્યા હતા. લૂંટારાએ મિસિસ ધાલિવાના ગળામાંથી નેકલેસ અને આંગળીમાં પહેરેલી લગ્નની વીંટી ખેંચી કાઢી હતી અને બાળકીને મારી નાખવાની ધમકી સાથે જ્વેલરી બોક્સ માગ્યું હતું. ધમકીથી ડરેલાં મિસિસ ધાલિવાએ જ્વેલરી બોક્સ બતાવી દીધું હતું.


