બ્રિટિશ ગુજરાતી સમુદાયે ગત અડધી સદીમાં નોંધપાત્ર હરણફાળ ભરી છે તેમ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાંચકોને કહેવા માટે મારી કોઈ જરૂર ન હોય તે સ્વાભાવિક છે. પચાસ વર્ષ અગાઉ, ઈદી અમીન દ્વારા યુગાન્ડામાંથી વંશીય લઘુમતી એશિયન પ્રજાની અમાનવીય હકાલપટ્ટી કરવામાં આવી તે બાબત 1975માં માત્ર ત્રણ વર્ષમાં જ ભૂતકાળ બની ગઈ હતી. કેન્યા, ટાન્ઝાનિયા, અને અન્ય આફ્રિકન દેશોમાંથી આવેલા ગુજરાતી ઈમિગ્રન્ટ્સ પણ બ્રિટનમાં નવા જીવનનું નિર્માણ કરી રહ્યા હતા. ભારતમાંથી પ્રત્યક્ષ ઈમિગ્રેશને પણ આજે આપણે નિહાળીએ છીએ, જાણીએ છીએ તેવી સફળ અને સમૃદ્ધ કોમ્યુનિટીના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
ઈતિહાસના આ જ કાલખંડમાં ગુજરાત સમાચારનો પણ જીવનકાળ સમાયેલો છે જેમણે તાજેતરમાં જ કોમ્યુનિટીની સમર્પિત સેવાના 53 વર્ષની ઊજવણી કરી હતી. સોનેરી સ્મૃતિગ્રંથ પ્રકાશનની લાંબી યાત્રાનું સ્મરણ કરે જ છે, પરંતુ તેનું ધ્યાન કોમ્યુનિટી પર જ કેન્દ્રિત કરાયું છે. સ્વાભાવિક રીતે જ તે દ્વિભાષી છે. પહેલા ઈંગ્લિશ વિભાગ છે અને તેના પછી ગુજરાતી વિભાગ છે. મને દુઃખ થાય છે કે હું ગુજરાતી વાંચી શકતી નથી, આથી આ સમીક્ષા ઈંગ્લિશ વિભાગની કરી શકાઈ છે.
સ્મૃતિગ્રંથમાં વ્યક્તિઓ, પરિવારો, બિઝનેસીસ, સંસ્થાઓ અને મંદિરોના ઘણા કથાનકો આવરી લેવાયાં છે. દરેક કથાનક વિશિષ્ટ-અનોખું છે, પરંતુ સાથે મળીને તેમના થકી મહાકથાનકનું ચિત્ર સર્જે છે, જે ભારે પરિશ્રમ અને પારસ્પરિક સહયોગ દ્વારા સામુદાયિક સફળતાના નિર્માણનું કથાનક છે. આપણામાંથી જેઓ નવી પેઢીમાં જન્મ્યા છે, તેમના માટે પ્રારંભિક ઈમિગ્રન્ટ્સના મક્કમ નિર્ધાર પ્રેરણા પૂરી પાડવામાં કેવી રીતે નિષ્ફળ જઈ શકે? વર્તમાનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝના સભ્ય ભીખુ પારેખ તેમના પત્ની સાથે 1959માં PhDનો અભ્યાસ કરવા લંડન આવ્યા હતા, તેમણે પણ શરૂઆતના દિવસોમાં અસ્તિત્વ જાળવવાનો ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મકાનમાલિકે આ દંપતીને ભોજન પુરું પાડીને મદદ કરી હતી.
ગ્રંથના અન્ય પ્રકરણોમાં ડાયસ્પોરામાં મહામૂલી ગુજરાતી વિરાસતને જીવન રાખવાના ઉમદા પ્રયાસોનાં વિવરણો અપાયાં છે, જેમાં રેડ લોટસ ઈવેન્ટ્સ દ્વારા મંચન કરાયેલા રંગીલુ ગુજરાત ફેસ્ટિવલનો પણ સમાવેશ થાય છે. સ્મૃતિગ્રંથ સાર્વત્રિક વિજયઘોષ પણ નથી. ગુજરાત સમાચારના દીર્ઘકાલીન લવાજમી ગ્રાહક કનુભાઈ આર. પટેલ દ્વારા લિખિત એક પ્રકરણ મારાં માનસપટ પર જડાઈ ગયું છે. કનુભાઈને કોમ્યુનિટીના સેવાના નોંધપાત્ર યોગદાનને બ્રિટિશ એમ્પાયર મેડલથી બિરદાવાયું છે. પોતાની આ સિદ્ધિઓ બદલ ગૌરવની લાગણી અનુભવવાનો કનુભાઈ પટેલને સંપૂર્ણ અધિકાર પણ છે. જોકે, તેમના લખાણના સમાપને ઉદાસીનતા-દુખની સંવેદના વ્યક્ત થયેલી જોવા મળી છે. તેમને દુઃખ એ થાય છે કે તેમના કોમ્યુનિટી ઈવેન્ટ્સ બાબતે યુવાન પેઢીઓમાં સામાન્યપણે રસનો અભાવ જોવાં મળ્યો છે.
ઘણાં પ્રકરણોમાં ગુજરાત સમાચાર અને સીબી પટેલની નોંધપાત્ર યાત્રાને સાચી રીતે જ બિરદાવાઈ છે. શીલા ભટ્ટ દ્વારા લિખિત ‘સીબીઃ એ થિન્કિંગ પટેલ’ લેખમાં સીબીનું હુંફાળું અને માનવીયતાસભર ચિત્રણ જોવાં મળ્યું છે ત્યારે કોકિલાબહેન પટેલનાં ‘ઈન્સ્પિરેશનલ જર્ની ઓફ ગુજરાત સમાચાર’ આર્ટિકલમાં પ્રકાશન સાથે લગભગ 40 વર્ષની સહિયારી યાત્રાની અંગત લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોત્સનાબહેન શાહનો ગુજરાત સમાચાર સાથેનો નાતો ચાર દાયકાથી પણ વધુ સમયનો છે. વ્યક્તિગત પ્રોફાઈલ ઈન્ટરવ્યૂઝ સાથેની તેમની ઘર દિવડાં કોલમ્સને ઘણી પસંદ કરવામાં આવે છે. કોમ્યુનિટી સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાના તેમના અવિરત પ્રયાસો કોઈ પણ પ્રકાશન માટે પ્રેરણાદાયી બની રહે તેવાં છે. એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તા અને ABPLના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલના આર્ટિકલ્સમાં પણ તેમનાં આગવાં યથાર્થ પરિપ્રેક્ષ્યો પ્રસ્તુત કરાયાં છે. ઈંગ્લિશ વિભાગનું સમાપન એશિયન વોઈસમાં હૃદયપટમાં સચવાયેલાં અંગત સંસ્મરણોથી માંડી ભારતીય અને જ્યુઈશ ઈતિહાસ વચ્ચે નોંધપાત્ર સમાનતાઓ સહિત વિવિધ વિષયોની આવરી લેતી સીબી પટેલની લોકપ્રિય કોલમ ‘એઝ આઈ સી ઈટ’ના પસંદગીના અંશો સાથે થાય છે
સોનેરી સ્મૃતિગ્રંથ હૃદયસ્પર્શી અને પ્રભાવિત કરી દેતો કથાનક સંગ્રહ છે. કોમ્યુનિટીના અનેક વયોવૃદ્ધ વડીલો પોતાની કથા-યાત્રામાં આપણને સહભાગી બનાવવા હાજર હોય ત્યારે આવાં બહુમૂલ્ય સંસ્મરણોના આલેખનને સંગ્રહિત કરવાના સ્તુત્ય નિર્ણયને હું બિરદાવું છું. અવિરત અને અનિવાર્ય પરિવર્તનોના યુગમાં આપણે ક્યાંથી આવ્યા છીએ તે જાણવું સહુ કોઈ માટે અમૂલ્ય છે.
----------------
મને જૂની પેઢીની કથાઓ ખરેખર સ્પર્શી ગઈ
આ પ્રેરણાદાયી પુસ્તક સોનેરી સ્મૃતિ ગ્રંથના પ્રકાશન અને અમારી સ્ટોરીઝને સહુ સુધી પહોંચાડવાની તક આપવા બદલ આપનો આભાર.મારી તાજેતરની રજાઓના ગાળામાં સોનેરી સ્મૃતિ ગ્રંથનો મોટો ભાગ વાંચી લીધો અને ખરેખર ઘણી મઝા આવી. ખાલી ખિસ્સે યુકે આવેલા અને ભારે પરિશ્રમ થકી સફળ જીવન અને બિઝનેસીસનું નિર્માણ કરનારા પરિવારોની હિંમતથી હું વિચલિત થઈ ગઈ હતી.
મને જૂની પેઢીની કથાઓ ખરેખર સ્પર્શી ગઈ, જેઓ પોતાની યુવાનીમાં ભારત છોડી યુગાન્ડા પહોંચ્યા, નવી ભાષાઓ શીખ્યા, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, આ પછી ઈદી અમીન દ્વારા હકાલપટ્ટી કરાયાના પગલે યુકે આવી નવેસરથી જીવનનો આરંભ કરવો પડ્યો. તેમની શક્તિ અને મક્કમતા ખરે જ કાબિલેતારીફ છે. શ્રી સીબી ભાઈ વિશે વાંચવાનું પણ ઘણું ગમ્યું. તેમણે કેવી રીતે ગુજરાત સમાચારની શરૂઆત કરી, વાચકોને તેમની માતૃભાષા સાથે સંપર્કમાં આવવાની તક આપી તે જાણ્યું. તેમની સમર્પિતતા અને અટકાયતનો સામનો કરવો પડ્યો, આ બધું જ પ્રેરણાદાયી છે.
પૂજાની કથા પણ અલગ તરી આવે છે. તેમની માતાનો અનુભવ ભારતમાં ઘણી મહિલાઓએ સામનો કરવો પડ્યો હતો તેની વરવી અને પીડાદાયી વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. તેમની યાત્રા વિશે વાંચવાનું હૃદયને સ્પર્શી ગયું છે. આટલી શક્તિશાળી કથાઓનું જતન કરવા બદલ આપનો પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ. - વિમલા અને હરિશ, કાર્ડિફ


