લંડનઃ એલિઝાબેથ લાઈન પર પેડિંગ્ટનથી મેઈડનહીડનો પ્રવાસ કરી રહેલાં 47 વર્ષીય સોફીઆ ચૌધરીને 7 સપ્ટેમ્બરે આઘાતજનક કટુ અનુભવ થયો હતો જ્યારે ચાર બાળકોએ તેમની સાથે વંશીય અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. ચૌધરીએ વેસ્ટ લંડનના હેઈઝ અને હાર્લિંગ્ટન સ્ટેશને બાળકો ઉતરી ગયા તે પહેલા પોલીસ બોલાવી હતી.
મિસ સોફીઆ ચૌધરીએ આ ઘટનાનો વિડિયો ટિકટોક પર મૂક્યો હતો અને તેને બે મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો. તેઓ વિડિયો ઉતારી રહ્યાં હતા તે જોઈ અપશબ્દો બોલનારા બાળકોએ પોતાના ચહેરા ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પ્રવાસીઓએ વીડિયો ઉતારવા સામે વાંધો લીધો હતો. વંશીય અપશબ્દો બોલાયા છે તેમ કહ્યું ત્યારે એક પ્રવાસીએ તેમાં શું થયું તેવો સામો પ્રશ્ન કર્યો હતો. મિસ ચૌધરીએ કહ્યું હતું કે બાળકોના પ્રતિભાવથી તેમને આઘાત અને ગુસ્સો આવ્યા પરંતુ, વયસ્ક મુસાફરોના રીએક્શનથી તો તેમનું દિલ ભાંગી ગયું હતું અને રોવું આવ્યું હતું.
આ ઘટના રિપોર્ટ કરવા છતાં BTP ઓફિસરો તેમને મળવા આવ્યા ન હતા. બીજી તરફ, બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (BTP) દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ છે તેમજ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા આ ઘટના સંદર્ભે દિલગીરી વ્યક્ત કરવા સાથે મિસ ચૌધરીને જરુરી મદદ શા માટે મળી નહિ તેની તપાસ શરૂ કરી છે. ગત વર્ષે એલિઝાબેથ લાઈન પર હેટ ક્રાઈમ્સની ઘટનાઓના રિપોર્ટિંગમાં 50 ટકાનો જ્યારે વ્યાપક લંડન ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર 28 ટકાનો વધારો જણાયો હતો.


