લંડનઃ એજ યુકે ચેરિટીના દાવા અનુસાર સોશિયલ કેર પેકેજની રાહ જોવામાં ૫૪,૦૦૦ અથવા દૈનિક ૭૭ લોકો મોતને ભેટ્યા છે. સામાજિક સંભાળના ભંડોળમાં ધરમૂળથી ફેરફાર કરવાની લાંબા સમયની યોજના પર મિનિસ્ટર્સ નિર્ણય લઈ શક્યા નથી, તેનો ભોગ ગરીબ અને વૃદ્ધ લોકો બન્યા છે. સરકારે સૌ પહેલા માર્ચ ૨૦૧૭માં સોશિયલ કેર ગ્રીન પેપર જાહેર કરાશે તેમ જણાવ્યું હતું, જેમાં ૭૦૦ દિવસ જેટલો ભારે વિલંબ થયો છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ બ્રેક્ઝિટ પર વધુ ધ્યાન મૂકાવાથી આવો વિલંબ થયો છે.
રાજકીય પક્ષોના સાંસદોના જૂથે ચેતવણી આપી હતી કે ઈંગ્લિશ લોકલ ઓથોરિટીઝની નાણાકીય ક્ષમતાની ખરાબ હાલત અંગે સરકારને કોઈ દરકાર નથી. અસલામત પુખ્તો અને બાળકોની સારસંભાળ અંગે વધતી માગથી કટોકટી સર્જાઈ છે. કોમન્સ પબ્લિક એકાઉન્ટ કમિટીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ અડધુ કરી દેવાયાના આઠ વર્ષ પછી કાઉન્સિલ્સ આવશ્યક સેવાઓ જાળવવા માટે પણ ભારે દબાણ હેઠળ છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૦-૧૧ અને ૨૦૧૬-૧૭ના ગાળામાં લોકલ ઓથોરિટીઝ દ્વારા સેવાઓ પર કરાતો ખર્ચ વાસ્તવિક રીતે ૧૯.૨ ટકા ઘટ્યો છે.
એજ યુકે ચેરિટીના જણાવ્યા અનુસાર કાઉન્સિલના ભંડોળ હેઠળ સોશિયલ કેરને સખત બનાવવાના કારણે માર્ચ ૨૦૧૭ પછી ૬૨૬,૭૦૧ અથવા તો દૈનિક ૮૯૫ લોકોની સામાજિક સારસંભાળની વિનંતીઓ ફગાવી દેવાઈ છે. એક મિલિયનથી વધુ લોકોની વસ્ત્રો પહેરવાં કે ધોવામાં મદદ સહિતની જરૂરિયાતો વધી હતી, જે યોગ્ય સમયે પૂર્ણ કરી શકાઈ ન હતી. ૨૦૧૦થી કેર બજેટ્સમાં સાત બિલિયન પાઉન્ડનો કાપ મૂકાતા સામાજિક સેવાઓ પણ દબાણ હેઠળ આવી છે. ગત થોડા મહિનામાં જ ઈંગ્લિશ કાઉન્ટીઓ દ્વારા અંદાજે ૭૦૦ મિલિયન પાઉન્ડનો કાપ સામાજિક સંભાળના ખર્ચમાં મૂકાયો હતો.


