લંડનઃ નેઈલ બોમ્બ, રિસિન ઝેર અને આતંકવાદીઓ માનવસંહાર માટે ઉપયોગમાં લઈ શકે તેવા અન્ય સાધનો જાતે કેવી રીતે બનાવવા તેનું વિસ્તૃત માર્ગદર્શન ફેસબુક અને યુટ્યૂબ પર એક ક્લિકમાં જ જોવા મળી શકે છે. રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓમાંથી માનવવધના હથિયારો બનાવવા વિશેના વીડિયો અને માહિતી માત્ર એક બટન દબાવવાથી જ ફેસબુક અને યુટ્યૂબના પ્લેટફોર્મ પર મળી જાય છે. માન્ચેસ્ટરના હુમલાખોરે છરા ભરેલો રકસેક બોમ્બ ઉપયોગમાં લીધો હતો તેની માહિતી પણ તેમાં હોય છે.
ફેસબુકે બોમ્બ બનાવવાની એક ગાઈડમાં તો મોતના સામાનની અસર વધારવા માટે ખીલીઓને ઉંદરના ઝેર અને વિનેગારમાં બોળવાની ભલામણ કરી હતી. માસ્ક પહેરેલા જેહાદીના પ્રોફાઈલ પિક્ચર સાથેનું આ પેજ હટાવી દેવાનો ફેસબુકના સંચાલકોએ એમ કહીને ઈનકાર કર્યો હતો કે તેનાથી ‘કોમ્યુનિટીના માપદંડો’નો ભંગ થતો નથી. બોમ્બ બનાવવા વિશેના વીડિયોથી બ્રિટિશ ટેરરિઝમ કાયદાનો ભંગ થતો હોવાનું લાગે છે. આવી માહિતી ઓનલાઈન રાખી હોવાથી ફેસબુક પર ફોજદારી ગુનો કર્યાનું જોખમ વધી જાય. જોકે, ફેસબુકની પ્રેસ ઓફિસનો સંપર્ક કરાયા બાદ આ પેજને દૂર કરી દેવાયું હતું.
આમ તો બોમ્બ બનાવવાની માહિતી વર્ષોથી ઓનલાઈન ઉપલબ્ધ છે. પરંતુ, છેલ્લાં થોડા મહિનાથી ઘેરબેઠા આવા ઘાતક સાધનો બનાવવાની સરળતાપૂર્વક સમજ આપતા હાઈ ડેફિનિશન વીડિયોનો વ્યાપ વધી ગયો છે. યુટ્યૂબ પર આવા ડઝનબંધ વીડિયો છે. તેમાં ૨૨ મિનિટના એક વીડિયોમાં પેરિસ અને બ્રસેલ્સ હુમલામાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ વિસ્ફોટ માટે ઉપયોગમાં લીધેલો અને એસિટોન પેરોક્સાઈડમાંથી બનાવેલો બોલ બેરિંગ બોમ્બ કેવી રીતે બને તેની સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી.


