સૌથી નાની વયની MBE અમિકા જ્યોર્જ

Wednesday 16th June 2021 05:55 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના અમિકા જ્યોર્જ(૨૧)ને બ્રિટિશ સરકારે સ્કૂલમાં ફ્રી પિરિયડ પ્રોડક્ટના પ્રચાર માટે પ્રતિષ્ઠિત મેમ્બર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર (MBE)ની નવાજેશ કરી છે. લોકો માટે પ્રેરણાદાયી કામ કરનારી વ્યક્તિને યુકેના ત્રીજા સર્વોચ્ચ ક્રમના એવોર્ડની નવાજેશ કરવામાં આવે છે. માત્ર ૨૧ વર્ષની નાની વયે આવો એવોર્ડ મેળવનાર અમિકા પ્રથમ વિજેતા છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈતિહાસની વિદ્યાર્થિની અમિકા ગત અનેક વર્ષથી બ્રિટનની સ્કૂલો અને કોલેજોમાં ફ્રી-પિરિયડ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે છે. અમિકા જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે તેણે આ અભિયાન શરૂ કર્યું હતું. તેને ખબર હતી કે બ્રિટનમાં એવી અનેક છોકરીઓ છે જે દર મહિને ચોક્કસ દિવસ માટે સ્કૂલ નથી આવતી કેમ કે આર્થિક તંગીને કારણે તે પિરિયડ પ્રોડક્ટ્સ ખરીદી શકતી નથી. અમિકાએ આ મુદ્દે એક પિટિશન દાખલ કરવા ઉપરાંત મિનિસ્ટર્સ સાથે મંત્રણા પણ કરી હતી. અમિકાના પ્રયાસો રંગ લાવ્યા અને બ્રિટિશ સરકારે ૨૦૨૦માં શૈક્ષણિક સંસ્થાનોને ફ્રી-પિરિયડ પ્રોડક્ટ આપવા ફંડ જારી કર્યું હતું.

અમિકાનાં માતા-પિતા ભારતના કેરળથી છે. અમિકા અને તેના ભાઈનો જન્મ અને ઉછેર યુકેમાં થયા છે. તેના પિતા કિશોર કેરળના પાથાનામથિટ્ટાના છે અને માતા નિશા કોઝેનચેરીના છે.

અમિકાએ જણાવ્યું હતું કે હું મારા પરિવાર અને કોમ્યુનિટીના વતી આ એવોર્ડ સ્વીકારું છું જેમણે મૌન રહીને દાયકાઓથી રેસિઝમને સહન કર્યું છે, જેઓ કદી બ્રિટિશ હોવાની લાગણી અનુભવી શક્યા નથી, જેમના તરફ કદી કોઈની નજર ગઈ નથી.

જેટલું આપણે સમજીએ છીએ તેના કરતાં, યુવાઓના અવાજમાં વધુ તાકાત હોય છે. રાજકીય ક્ષેત્રમાં અનેકવાર આપણી અવગણના થાય છે પણ એમબીઈથી જાણ થાય છે કે આપણે ધીમે ધીમે વાસ્તવિક પરિવર્તનકર્તા તરીકે ઓળખાઈ રહ્યા છે. જે સરકાર અને તેમની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરી શકે છે. પરિવર્તન ફક્ત વેસ્ટમિન્સ્ટર કે વ્હાઇટ હાઉસ કે પછી ભારતીય સંસદની દીવાલોની અંદર નથી થતું, આ પરિવર્તન ગમે તે લાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter