લંડનઃ ઓફસ્ટેડના ભૂતપૂર્વ વડા સર માઈકલ વિલશોએ બાળકોના શૈક્ષણિક કાર્યમાં શુક્રવારે સમય ઓછો કરી દેવા બદલ સરકારી સ્કૂલોની કડક શબ્દોમાં ટીકા કરતાં સમય ઘટાડવાને બદલે વીકએન્ડમાં ક્લાસીસ લેવા સૂચવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલમાં ઓછો નહિ, વધારે સમય આપવાની જરૂર છે. તેમણે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે અઠવાડિયા દરમિયાન તેમજ શનિવારે એક્સ્ટ્રા પિરિયડ લેવા હેડ ટીચર્સને તાકીદ કરી હતી.
ગયા વર્ષે યુકેની ૨૪ સ્કૂલોએ શુક્રવાર બપોરનું શૈક્ષણિક કાર્ય બંધ કરી દીધું હતું. વધુ ૨૦૦ સ્કૂલો તે દિશામાં જ આગળ વધી રહી હોવાનું જણાયું હતું. કેટલીક સ્કૂલોએ કામનો બોજ વેઠી રહેલા સ્ટાફનું મનોબળ વધારવા માટે હાફ-ડે રાખવાનું શરૂ કર્યું હતું. અન્ય સ્કૂલોએ બજેટમાં કાપ વચ્ચે ઓછાં ક્લાસરૂમ આસિસ્ટન્ટ રાખીને ખર્ચ ઘટાડવાનું જરૂરી હોવાનું જણાવ્યું હતું.


