લંડનઃ વિદ્યાર્થીઓ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકે તે માટે સ્કૂલોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સ્કૂલ મિનિસ્ટર નીક ગીબ્સે તાકીદ કરી હતી. ઘણાં બાળકો રાત્રે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને બીજા દિવસે સ્કૂલે આવે ત્યારે ખૂબ થાકેલા જણાતા હોય છે તે બાબતે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે મોબાઈલ ફોનનો ઉપયોગ કેટલા સમય માટે કરવો જોઈએ તે નક્કી કરવા વિશે વિદ્યાર્થીઓને પાઠ શીખવવા જોઈએ. ફોનના વપરાશથી બાળકોના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહેલી ખરાબ અને નકારાત્મક અસરના કિસ્સા વધી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન દ્વારા તૈયાર કરાયેલી માર્ગદર્શિકામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓેને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગના જોખમો વિશે શીખવવાનું જરૂરી બની જશે. ટીચરોએ સ્કૂલના સમય ઉપરાંત અન્ય સમય દરમિયાન પણ મોબાઈલના મર્યાદિત ઉપયોગ વિશે તેમજ રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવાના ફાયદાની વિદ્યાર્થીઓને સમજ આપવાની રહેશે.


