સ્કોટલેન્ડના જગ્ગીને છોડાવવા મદદ માટે સરકારને શીખ કોમ્યુનિટીનો અનુરોધ

- રુપાંજના દત્તા Wednesday 29th November 2017 07:36 EST
 
 

પંજાબમાં 'ટાર્ગેટેડ કિલીંગ' માં કથિત ભૂમિકા બદલ પંજાબ પોલીસ દ્વારા વેસ્ટ ડમ્બર્ટનશાયરના ડમ્બર્ટનમાં રહેતા જગ્ગી તરીકે જાણીતા ૩૦ વર્ષીય જગતારસિંઘ જોહલની ધરપકડના વિરોધમાં વ્હાઈટહોલમાં ફોરેન કોમનવેલ્થ ઓફિસ બહાર એક હજાર જેટલા શીખ દ્વારા દેખાવો યોજાયા હતા.

જગ્ગી પર ટોચના હિંદુઓના 'ટાર્ગેટેડ કિલીંગ્સ' ના સંદર્ભમાં શસ્ત્રો ખરીદવા ભંડોળ પૂરું પાડવાનો અને ૧૯૮૪માં હજારો શીખના મૃત્યુના સંદર્ભમાં યુવાનોને ઉશ્કેરે તેવું સાહિત્ય પ્રગટ કરવાનો આરોપ છે. સ્કોટલેન્ડથી આવેલા ૪૦૦થી વધુ શીખ આ દેખાવોમાં જોડાયા હતા.

શીખ સમુદાયે ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનને આ મામલે દરમિયાનગીરી કરવા તથા બ્રિટિશ નાગરિક તરીકે તેના હક્કોના રક્ષણ માટે અનુરોધ કર્યો હતો. જહોન્સને જણાવ્યું હતું કે ભારતમાં ધરપકડ કરાયેલા સ્કોટલેન્ડના નાગરિક પર પોલીસ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે તે આક્ષેપ સાચો હશે તો સખત પગલા લેવાશે.

ફ્રી જગ્ગી ઝુંબેશ ચલાવી રહેલા શીખ ફેડરેશન, યુકે દ્વારા જણાવાયું હતું કે જગતારસિંઘ પર સત્તાવાર કોઈ આરોપ મૂકાયો નથી. પરંતુ, સ્થાનિક મીડિયા દ્વારા જણાવાયું હતું કે પંજાબમાં હિંદુ નેતાઓની હત્યાના સંદર્ભમાં તેની ધરપકડ કરાઈ હતી.

યુકેના પ્રથમ મહિલા શીખ સાંસદ પ્રીત કૌર ગિલના નેતૃત્વમાં બ્રિટિશ સાંસદોના ગ્રૂપ દ્વારા ધરપકડના મામલે તત્કાળ દરમિયાનગીરી અને તપાસ માટે ફોરેન કોમનવેલ્થ ઓફિસને પત્ર પાઠવવામાં આવ્યો હતો. તેમાં બ્રિટિશ શીખ સાંસદ તનમનજીત ઢેસી અને લુસી એલન, એલિસન થેલીસ અને પેટ મેકફેડન સહિત ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અન્ય સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા.

લંડનમાં ભારતીય હાઈ કમિશનને મોકલાયેલા પત્રમાં જગ્ગી આતંકવાદીઓ અથવા ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય તો તેની માહિતી યુકે પોલીસને આપવા જણાવાયું હતું. ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના મિનિસ્ટર ઓફ સ્ટેટ રોરી સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે સરકાર જગ્ગીના કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.

ગત ઓક્ટોબરના અંતમાં જગ્ગી પોતાના લગ્ન માટે ભારતમાં હતો. ૪ નવેમ્બરે જગ્ગીની ધરપકડ કરાઈ ત્યારે તેની પત્ની અને પિતરાઈ સાથે હતા. પંજાબ સરકારે દાવો કર્યો હતો કે રાજ્યમાં કોમી હિંસા ફેલાવવાના આરોપસર જે ચાર શકમંદની ધરપકડ કરાઈ હતી તેમાં જગ્ગી એક છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter