લંડનઃ ઈંગ્લેન્ડમાં આગામી સપ્તાહથી શાળાઓ ફરી ખોલવા બાબતે અસમંજસ ચાલી રહી છે ત્યારે સ્કોટલેન્ડના ડંડીમાં કિંગ્સપાર્ક સ્કૂલમાં ૧૭ સ્ટાફ અને બે વિદ્યાર્થી અને ત્રણ ‘કોમ્યુનિટી કોન્ટાક્ટ્સ’ને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને હવે એકાંતવાસમાં જવું પડશે. ૫-૧૮ વયજૂથના ૧૮૫ વિદ્યાર્થી સાથેની આ શાળા સ્કોટલેન્ડની અન્ય શાળાઓની સાથે જ ૧૨ ઓગસ્ટથી ફરી ખોલવામાં આવી હતી. ડંડીની અન્ય ત્રણ સ્કૂલમાં પણ પોઝિટિવ કેસીસ જોવા મળ્યા છે.
ડંડીની કિંગ્સપાર્ક સ્કૂલમાં ૧૭ સ્ટાફ અને બે વિદ્યાર્થી કોરોના ટેસ્ટમાં પોઝિટિવ જણાયા પછી તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને બે સપ્તાહ સુધી એકાંતવાસમાં રહેવા જણાવાયું છે. શાળામાં સંપૂર્ણ સફાઈ કરવાની હોવાથી ઓછામાં ઓછાં એક સપ્તાહ બંધ રખાશે. આ ઉપરાંત, શહેરની સેન્ટ પીટર એન્ડ પોલ્સ સ્કૂલમાં એક કેસ તેમજ ડાઉનફિલ્ડ પ્રાઈમરી સ્કૂલની હેપી ટાઈમ્સ સ્કૂલ ક્લબમાં પણ એક પોઝિટિવ કેસ જણાયો હતો. સાઉથ લેનાર્કશાયરની હાઈ બ્લાન્ટાયર પ્રાઈમરી સ્કૂલમાં એક સ્ટાફ અને બે વિદ્યાર્થી પણ કોવિડ-૧૯ માટે પોઝિટિવ આવ્યા હતા.
દરમિયાન, ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સંકેત આપ્યો છે કે સ્કોટલેન્ડની સેકન્ડરી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ક્લાસીસમાં જવા પ્રવાસ કરતી વખતે ફેસ માસ્ક પહેરવા જણાવાશે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટે ઈંગ્લેન્ડમાં આવાં પગલાંની શક્યતા નકારી છે.