સ્કોટલેન્ડમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ

Wednesday 18th September 2019 04:42 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્કોટલેન્ડના આયર ટાઉન હોલમાં ગાંધીબાપુની છ ફૂટ અને ચાર ઈંચની ઊંચાઈની કાંસ્યપ્રતિમાનું અનાવરણ શનિવાર ૧૪ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. નાગરિક અધિકારોના ભારતીય ચળવળકાર ગાંધીજીની ૪૦૦ કિલોગ્રામની પ્રતિમા ભારત સરકારની સાંસ્કૃતિક સંબંધો માટેની કાઉન્સિલ દ્વારા સાઉથ આયરશાયરને ભેટ આપવામાં આવી છે. આ પ્રતિમાનું સર્જન શિલ્પકાર ગૌતમ પાલ દ્વારા કરવામાં આવ્યું છે. સ્વીટ્ઝર્લેન્ડના બર્ન સહિત વિશ્વભરમાં ૧૦ સ્થળોએ ગાંધીપ્રતિમાનું અનાવરણ કરાનાર છે.

ગાંધીપ્રતિમાના અનાવરણ સમારોહમાં સ્કોટલેન્ડ માટે ભારતના કોન્સલ જનરલ અંજુ રાજન અને સાઉથ આયરશાયરના પ્રોવોસ્ત અને કાઉન્સિલર હેલન મૂની, સાઉથ આયરશાયર પાલીસના ચીફ ઈન્સ્પેક્ટર બ્રાયન એન્ડરસન તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રતિમાની પાસે રખાનારી તખતીમાં ગાંધીજીનું પ્રસિદ્ધ વાક્ય ‘શાંતિ માટેનો કોઈ માર્ગ નથી, શાંતિ જ ખુદ માર્ગ છે’ લખાયું છે.

આ પ્રસંગે પ્રોવોસ્ત હેલન મૂનીએ જણાવ્યું હતું કે,‘ સાઉથ આયરશાયર અને ભારત વચ્ચેની અનેક સમાનતાઓ તેમજ મહાત્મા ગાંધી અને રોબર્ટ બર્ન્સ વચ્ચે વિશિષ્ટ સંપર્ક વિશે અમને ગૌરવ છે. આ બંને સામાજિક અન્યાય વિરુદ્ધ લડ્યા હતા અને વિશ્વના ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કરવા પોતાની અનોખી શક્તિઓનો ઉપયોગ કર્યો હતો.’ સમારંભમાં મહેમાનોએ ભારતીય સંગીત અને નૃત્ય તેમજ ડુન્ડોનાલ્ડ પ્રાઈમરી સ્કૂલ ગેલિક કોઈર અને આયરશાયર ફિડલ ઓર્કેસ્ટ્રાના મ્યુઝિકને માણ્યું હતું.

ભારતની સ્વતંત્રતામા મુખ્ય આંદોલનકાર અને વિશ્વના સૌથી પ્રસિદ્ધ શાંતિપૂર્ણ રાજકીય બહિષ્કારના પ્રસારક મહાત્મા ગાંધીની ૧૯૪૮માં નવી દિલ્હી ખાતે હત્યા કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter