ગ્લાસગોઃ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં દેશના સૌથી મોટા ગુરુદ્વારાનું ભવ્ય ઉદ્ઘાટન ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટુર્જન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું. સ્કોટલેન્ડનું સૌથી મોટું શીખ ગુરુદ્વારા હોવાની સાથે તે ગ્લાસગોમાં સૌથી ઉંચુ ધાર્મિક બિલ્ડીંગ બન્યું છે. શહેરના ફિનિએસ્ટન વિસ્તારમાં બર્કલે સ્ટ્રીટસ્થિત ગુરુદ્વારાના નિર્માણમાં આઠ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયાનો અંદાજ છે, જે પૈકી ૬૦ ટકાથી વધુ રકમ સમાજના ડોનેશન તથા બાકીની રકમની લોન તરીકે લેવાઈ હતી. સ્કોટલેન્ડના હજારો શીખોએ ગુરુદ્વારાના નિર્માણમાં પોતાની સેવા આપી હતી અને ઉદ્ઘાટન સમયે આખી રાતના ઉજાગરા કરીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
ભવ્ય ઉદ્ઘાટન સમારોહની શરૂઆત ધાર્મિક શોભાયાત્રા સાથે થઈ હતી. તેમાં હજારો શીખ ભાઈ બહેનો જોડાયા હતા. શીખોના ધર્મગુરુ પવિત્ર ધાર્મિક ગ્રંથોને પોતાના મસ્તક પર મૂકીને ગુરુદ્વારાના બીજા માળે આવેલા ‘ગુરુની દીવી’ તરીકે જાણીતા પ્રાર્થના હોલ સુધી લઈ ગયા હતા. ટૂંકી પ્રાર્થના અને પ્રવચન બાદ ગ્રંથોને ગાદી પર પધરાવ્યા પછી ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને લંગર હોલ તરીકે જાણીતા કોમ્યુનિટી હોલમાં લોકો સાથે ભોજન લીધું હતું.
ગુરુદ્વારામાં એક સમયે એકસાથે ૧૫૦૦ શ્રદ્ધાળુઓનો સમાવેશ થઈ શકે છે. તેમાં ક્લાસરૂમ્સ, લાઈબ્રેરી, ઓફિસ અને ધાર્મિક વિધિ માટે કુંડ પણ છે. સુંદર સુશોભન અને ધર્મગુરુઓના ચિત્રો સાથે ત્રણ માળનું આ બિલ્ડીંગ ખૂબ સુંદર લાગે છે. ફ્લોરિંગ માટે માર્બલ સહિત ગુરુદ્વારાના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી લગભગ તમામ સામગ્રી ભારતથી મંગાવાઈ હતી. ગુરુદ્વારા આખું અઠવાડિયું ખૂલ્લું રહેશે અને તમામ લોકો લંગરનો લાભ લઈ શકશે.
ગ્લાસગોમાં શીખ સમાજના ઈતિહાસને વર્ણવતી તસવીરો ગુરુદ્વારામાં મૂકાઈ છે. આ ઉપરાંત ગુરુદ્વારામાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે શીખ બહાદૂરોને વિક્ટોરિયા ક્રોસથી સન્માનિત કરાયા હતા તેમનું સ્મારક પણ છે. બ્રિટનમાં પ્રથમ ગુરુદ્વારા ૧૯૫૦ના દાયકામાં ગોર્બલ્સમાં ખૂલ્યું હતું. સ્કોટલેન્ડમાં લગભગ ૨૦,૦૦૦ શીખ છે, જેમાંથી મોટાભાગના ગ્લાસગો વિસ્તારમાં રહે છે.
એક આયોજક પ્રીતપાલ સિંહે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૯૯માં જમીન ખરીદાયા પછી ૨૦૧૦માં ગુરુદ્વારાના નિર્માણનું કામ શરૂ થયું હતું. ભંડોળની કેટલીક રકમ ફંડ રેઈઝિંગ ડિનર્સ દ્વારા એકત્ર કરાઈ હતી.


