સ્ટે એટ હોમની અપીલ અવગણી બ્રિટિશરો સમુદ્રતટો પર ઉમટ્યા

Wednesday 20th January 2021 11:07 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના વાઈરસના નવા વેરિઅન્ટનું સંક્રમણ ખાળવા બ્રિટિશરોને વીકએન્ડમાં ઘરમાં જ રહેવા કરેલી અપીલ જાણે બહેરા કાનો પર અથડાઈ હોવાનું જણાય છે. ત્રીજું લોકડાઉન હોવાં છતાં બ્રિટિશરો કસરત કરવાના બહાના હેઠળ સૂર્યપ્રકાશની મોજ માણવા ૧૭ જાન્યુઆરી રવિવારે પાર્ક્સ, જાહેર સ્થળો અને સમુદ્રતટો પર ઉમટી પડ્યા હતા. વર્તમાન લોકડાઉન નિયમો હેઠળ યોગ્ય કારણો વિના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે. જોકે, લંડનના ગ્રીનિચ પાર્ક સહિતના ઘણાં સ્થળોએ લોકો પિકનિક મનાવતા હોવાનું પણ જણાયું હતું.

લોકડાઉનમાં ઘરમાં જ રહેવાની અપીલને અવગણી ઘણા બ્રિટિશરો કસરત કરવાના બહાના હેઠળ રવિવારે સૂર્યપ્રકાશની મોજ માણવા આ ઉનાળામાં સૂર્યસ્નાન માટે લોકપ્રિય બનેલા બ્રાઈટનના સીફ્રન્ટ પર ઉમટ્યા હતા.

આ ઉપરાંત, ન્યૂકેસલ ક્વાયસાઈડ, હેમ્પશાયરના સાઉથસી ખાતેના સીફ્રન્ટ, બોર્નમાઉથ સીફ્રન્ટ ખાતે પણ લોકો જાણે કેદમાંથી છૂટ્યા હોય તે રીતે ફરતા જોવા મળ્યા હતા. વર્તમાન ત્રીજા નેશનલ લોકડાઉનના નિયમો હેઠળ કામે જવું, આવશ્યક ખરીદી કરવી અને કસરત જેવાં યોગ્ય કારણો વિના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધિત છે.

ઈંગ્લેન્ડના ત્રીજા લોકડાઉનના પ્રથમ રવિવાર ૧૦ જાન્યુઆરીએ કોરોના વાઈરસના નવા ૫૪,૯૪૦ કેસ નોંધાયા હતા જેમાં નોંધપાત્ર ઘટાડો આ રવિવારે જોવા મળ્યો હતો અને લોકડાઉનની અસર થઈ હોય તેમ ૩૮,૫૯૮ નવા કેસ નોંધાયા હતા. જોકે, કોરોના વાઈરસથી સંક્રમિત વધુ ૬૭૧ વ્યક્તિના મોત પણ રવિવારે જોવાં મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter