સ્ટેથોસ્કોપ વાપરનારા GP ડોકટરો હવે લેપટોપ પર દર્દીનું નિદાન કરી રહ્યા છે!!

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 25th August 2021 06:20 EDT
 
 

કોરોનાએ આપણું જનજીવન અને વ્યવહારમાં જબ્બરજસ્ત બદલાવ આણ્યો છે. તમને કોરોના વળગ્યો હોય તો તમારા સગા સંબંધી તો અળગા રહે સાથે તમારા સ્વાસ્થ્ય વિષેની જાણકારી રાખનારો તમારો ફેમીલી દાકતર જેને અપણે સૌ GP તરીકે જાણીએ છીએ એ ય તમારાથી દશ ગઉ દૂર ભાગે છે..! કોરોનાના હાઉથી GP સર્જરીઓ તમને એમના ઉંબરે ચઢવા દેવા માગતી નથી. તમને કંઇ પણ શારિરીક તકલીફ ઉભી થઇ હોય તો યુ.કે. નેશનલ હેલ્થની પ્રથા મુજબ પહેલા તમારા GP પાસે જઇને તમારી વ્યથાની કથા કરવી પડે એ પછી તમને તમારો GP શારિરીક નિદાન કરી તમને યોગ્ય દવા આપે કે જરૂર લાગે તો હોસ્પિટલમાં વધુ ચેકઅપ માટે રીફર કરે. કોરોનાકાળમાં હવે એ ટ્રેન્ડ બદલાયો છે. તમને કંઇ પણ શારીરિક તકલીફ ઉભી થઇ હોય તો તમે GP સર્જરીમાં એપોઇન્ટમેન્ટ મેળવવા ફોન જોડો તો પાંચ મિનિટ તો એમની ફોનમાં બેસાડેલી સેક્રેટરીનું લાંબું લેકચર "તમને તાવ હોય, શરીર દુ:ખતું હોય, ઉધરસ આવતી હોય, ખાવાનો સ્વાદ ના આવતો હોય, ચક્કર અવતા હોય તો 111 ઉપર ફોન કરો અથવા એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ થઇ જાવ.” એ પછી વળી સર્જરીની રિશેપ્સનીસ્ટ મળી ગઇ હોય તો બે વીકે એપોઇન્ટમેન્ટ આપે તે પણ કેવી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ..! (આવું કદાચ બધી સર્જરીમાં નહિ બનતું હોય કેટલાક આપણા માનવસેવા પ્રિય GP એમના દર્દીને જોતા હશે પણ અમે પ્રત્યક્ષ અનુભવેલ અને બીજા વાંચકો પાસેથી સાંભળેલી આપવિતી ઉપરથી અમે આ GPની વિટંબણાને રજૂ કરી રહ્યા છે).
NHSના એક અહેવાલ અનુસાર GPની સર્વિસ નોર્મલ શરૂ થઇ ગઇ છે તેમછતાં આ કોરોનાકાળમાં એપોઇન્ટમેન્ટો અડધો અડધથીય ઓછી (માત્ર ત્રણ મિલિયન) થઇ ગઇ છે.બ્રિટીશ સરકારના NHSને લાગતા વળગતા પ્રધાનોનું સૂત્ર છે “પ્રોટેક્ટ એનએચએસ”! આ કેવા પ્રધાનો?! એનએચએસને આપણે પ્રોટેકટ કરીએ!! કે એ રોગમુક્ત કરી આપણને પ્રોટેક્ટ કરે! આપણા GPઓનું કહેવું છે કે કન્સલ્ટેશન હવે અઠવાડિયાના છ મિલિયનના સામાન્ય સ્તરે આવી ગયું છે પણ ખરેખર આંકડાઓ જોઇએ તો એમાં મોટી ખામી જોઇ શકાય છે. કોરોના શરૂ થયો ત્યારથી GP દાકતરોની રૂબરૂ મુલાકાતની સંખ્યા ઘટી ગઇ છે. યુ.કે.માં દર અઠવાડિયે ૧.૫ મિલિયનથી ઓછા જણને ડોકટર સાથે વ્યક્તિગત (ફેસ ટૂ ફેસ) એપોઇન્ટમેન્ટ મળે છે.
આજે મોટાભાગના ફેમીલી ડોકટરો એટલે કે GP તમને આમને સામને બેસીને મળવાનું કે તબીબી પરીક્ષણ કરવાનું ટાળે છે. હવે તમારા ડોકટર ટેલિફોન એપોઇન્ટમેન્ટ આપે છે અથવા બહુ બહુ તો તમને ઓનલાઇન વિડિયો કરતાં આવડે તો એમના લેપટોપ પરથી જોઇને તમારુ ચેકઅપ કરી તમને શું થયું છે એનું નિદાન કરે છે.. બોલો! હવે મોટાભાગના GPસાહેબોએ એમનાં સ્ટેથોસ્કોપને અભરાઇએ ચઢાવી દીધાં છે અને લેપટોપ પર કાને હેડસેટ્સ લગાડી દર્દીના દર્દનું નિદાન કરી મેડીકલ એડવાઇઝ આપી રહ્યા છે. એમાં જો તમને ટેકનોલોજી વાપરતાં આવડે તો વિડિયો કોલ કરી શકાય. એ વખતે તમારા દીકરા-દીકરી કે પોતરાં-પોતરી નવરાં હોય, મૂડ હોય તો ડોકટર સાથે તમને ઓનલાઇન વિડિયો પર કનેક્ટ કરી આપે નહિતર હરિહરિ!
અમારા વિસ્તારમાં GP સર્જરીથી ત્રાહિમામ થયેલા આપણા વડીલ વાંચકોનું કહેવું છે કે હવે સર્જરીમાં ફોન કરી એપોઇન્ટમેન્ટ લઇએ તો ત્રણ-ચાર વીકે એપોઇન્ટમેન્ટ મળે પણ એ વખતે GPતો ના જ મળે ..! એમના મેડીકલ એડવાઇઝર અથવા ફાર્મસીસ્ટ સર્જરીમાં બેઠા હોય એ જ તમારું ફોન પર નિદાન કરીને દવા લખે..! અમારી બાજુમાં રહેતા ૮૫ વર્ષના કાન્તિકાકાને કંઇક એવું ખાવામાં આવી ગયું એની એલર્જી જુદા પ્રકારની થઇ, એમણે પગે, જાંઘ ઉપર હાથે ઢીમણાં થઇ પાણી ભરાય એવા ફોલ્લા ઉપડ્યા ત્યારે વારંવાર સર્જરીમાં ફોન કરતાં સર્જરીની રિશેપ્સનીસ્ટ મૂડમાં હશે તો ડોકટરની એપોઇન્ટમેન્ટ મળી પણ "નોટ ફેસ ટૂ ફેસ"! એ વિડિયો કોલ ઉપર..! આમાં બિચારા કાકા પાસે સ્માર્ટ ફોન નહિ બાવા આદમનો જૂનો ફોન વાપરે.! હવે કાકો બિચારો કેવી રીતે વિડિયો કરીને સર્જરી કે ઘરે બેઠેલા ડોકટરને કેવી જાતના ફોલ્લા થયા છે દર્દ દેખાડી શકે!!
આપણે સૌ સમજીએ છીએ કે કોરોના મહામારીનો ભય બધાને ય લાગે.. પણ કોરોનાની વેકસીન ફાઇઝર કે એસ્ટ્રાઝનિકા સૌ પહેલાં NHSના ફ્રંટલાઇનર ડોકટરો અને GPઓને અપાઇ હતી એટલે એ લોકો વધારે સેફ નહિ? હોસ્પિટલોમાં ઇમરજન્સી ડોકટરો અને દરેક ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાત સર્જનો ફેસ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને દર્દીઓને ફેસ ટૂ ફેસ ચેકઅપ કરે છે એવું GPલોક ના કરી શકે..!? એવું કેટલાકનું માનવું છે કે દર્દીએ વેકસીનનો ડબલ ડોઝ લીધો હોય, એણે વાયરસનું કોઇ ચિહ્ન ના દેખાતું હોય તો પછી સર્જરીમાં કેમ એલાવ કરતા નથી..!? એ સવાલ સૌને સતાવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter