'રેડ લોટસ’ દ્વારા યોજાયેલ કાર્યક્રમ 'સુર ધારા'માં લલિતાબેન ઘોડાદ્રા અને પ્રીતિ વરસાણીએ સુર-સંગીતનો જાદુ ફેલાવ્યો

- કમલ રાવ Tuesday 30th January 2018 11:25 EST
 
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી લલિતાબેન અને પ્રીતિબેન વરસાણી (તસવીર સૌજન્ય: એસટી ફોટોગ્રાફી)
 

છેલ્લા ૨૫ વર્ષથી ભારત અને દેશ વિદેશમાં પોતાના અવાજ અને સુરનો જાદુ ફેલાવનાર લલિતાબેન ઘોડાદ્રા અને લંડનની સ્થાનિક યુવાન ગાયીકા પ્રીતિ વરસાણીના ભક્તિ-સંગીત અને લોકગીતોના કાર્યક્રમ 'સુર ધારા'ને હેરો લેઝર સેન્ટર ખાતે જોરદાર સફળતા સાંપડી હતી. યુકેની વિખ્યાત સંસ્થા ‘રેડ લોટસ’ દ્વારા બાલ ગોપાલ ફાઉન્ડેશનના લાભાર્થે ૨૭મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 'સુર ધારા' કાર્યક્રમમાં ૧,૨૦૦ કરતા વધુ સંગીત રસીયાઅો ઉમટી પડ્યા હતા અને બાલ ગોપાલ ફાઉન્ડેશન માટે £૩,૦૦૦નું ભંડોળ એકત્ર કરાયું હતું.

દિવંગત સ્વજનોનું સ્મરણ કરતા આ કાર્યક્રમમાં જન્મથી લઇને મૃત્યુ સુધીના સોળ સંસ્કારો વિષે મનનીય રજૂઆત કરાઇ હતી અને તેને લગતા અલગ અલગ લોકગીતો રજૂ કરાયા હતા. વિખ્યાત સ્થાનિક કલાકાર મીરા સલાટ અને સાથી કલાકારોએ "તારી લાડકી રે" અને "હંસલા હાલોને હવે મોતીડા નહી રે મળે" લોક ગીત ઉપર ખૂબજ સુંદર નૃત્યો રજૂ કર્યા હતા. તો "અોમ નમ: શિવાય"ના નાદ સાથે હોલ ગાજી ઉઠ્યો હતો. રેડ લોટસ ઇવેન્ટની ૧૦મી વર્ષગાંઠે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘોષક શ્રી રવિ શાસ્ત્રીએ ખૂબજ સુંદર રીતે સંચાલન કર્યું હતું. જેમાં પ્રીતિ વરસાણી લલિતાબેને સુર સંગીતથી સાથ આપ્યો હતો. કાર્યક્રમના બીજા હિસ્સામાં બન્ને કલાકારોએ સંતવાણી, લોક ગીતો અને દેશ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે બ્રેન્ટના મેયર ભગવાનજીભાઇ ચૌહાણ, કાઉન્સિલર અજય મારૂ, સંગતના કાન્તીભાઇ નાગડા, વાસક્રોફ્ટના શશીભાઇ વેકરીયા, જેશામ કન્સ્ટ્રક્શનના શામજીભાઇ અને ગુજરાત સમાચારના એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. 

માત્ર ૧૩ વર્ષની વયે પ્રોફેશનલ ગીત સંગીત કાર્યક્રમો અને સ્ટેજ શોમાં ભાગ લેનાર પોરબંદરના વતની લલિતાબેન ઘોડાદ્રા દુર દર્શન, ઇ-ટીવી, અલગ અલગ રેડીયો સ્ટેશન અને ઘણી બધી ટીવી ચેનલ પર કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. તેમણે ૧૮ વર્ષની વયે સૌ પ્રથમ બીબીસીની રજવાડા ડોક્યુમેન્ટ્રી ફીલ્મમાં ભાગ લીધો હતો જેનુ શૂટીંગ પરોબંદરના મહેલોમાં કરાયું હતું.

લલિતાબેનને મનમોહક અવાજની બક્ષીસ કુદરતી રીતે જ મળેલી છે. લલિતાબેને પોતાની સંગીતની તાલિમ પોરબંદરના શ્રી રાવજીભાઇ જોશી, શાસ્ત્રીય સંગીતની તાલિમ પોરબંદરના જ વિખ્યાત કલાગુરૂ મનસુખભાઇ જોશી અને શ્રી ધીરૂભાઇ ભૂવા પાસેથી મેળવી હતી. દ્વારકા નજીકના પરબના મૂંડીયા ખાતે સ્થાન ધરાવતા સંતશ્રી કાનદાસ બાપુની ગીત સંગીત પરંપરાને અનુસરતા અને બાપુની ગાયકીને અપનાવનાર લલિતાબેને રાજકોટના બાબુભાઇ અંધારિયા અને રાજકોટની મ્યુઝિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી પિયુબેન સરખેલ પાસેથી પણ તાલિમ મેળવી હતી.

લલિતાબેન અોલ ઇન્ડિયા રેડિયોના 'એ' હાઇ ગ્રેડના કલાકાર છે અને તેઅો ગુજરાત સરકાર દ્વારા અપાતો ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. યુકે ઉપરાંત અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, દુબઇમાં પણ ગીત-સંગીતના કાર્યક્રમો આપેલા છે અને યુકેમાં તેઅો 'સુર ધારા' કાર્યક્રમ માટે ૮મી વખત પધાર્યા છે. લલિતાબેને દસ ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત સંગીત રજૂ કરી ચૂક્યા છે. જેમાં સંત શ્રી સવા ભગત માટે તેમને ગુજરાત સરકાર તરફથી ૨૦૦૬-૦૭માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો.

લલિતાબેનની ૬૦૦ કરતા વધારે અોડીયો વીડીયો સીડી અત્યાર સુધીમાં પ્રસિધ્ધ થઇ ચૂકી છે. તેમના ૮૦૦થી ૧,૦૦૦ જેટલા ગીતો ખૂબજ લોકપ્રિય બન્યા છે અને તેમના યુ-ટ્યુબ વિડિયો પણ નિહાળી શકાય છે. ગુજરાતી ભાષામાં તેમના લોક ગીત, હાલરડા, પ્રભાતીયા, જેસલ તોરલના ભક્તિ ગીતો, સુંદર કાંડ, ભજન, શ્રીનાથજીના ગીતો, લગ્ન ગીત, સંતવાણી, રાસગરબા વગેરે સાંભળવા એક લાહ્વો છે.

લંડન ખાતે યોજાયેલા સુર ધારા કાર્યક્રમના મીડિયા પાર્ટનર ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ હતા જેનો આયોજકોએ માનભેર આભાર વ્યક્ત કર્યો હતો. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાથેના સંયોજન અને પબ્લીસીટીના કારણે ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter