BAPS નીસ્ડન ટેમ્પલ અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની વૈશ્વિક ઉજવણીમાં જોડાયું

Tuesday 23rd January 2024 15:51 EST
 
 

લંડનઃ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણા થકી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન પણ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે યુકે અને યુરોપના 60 BAPS મંદિરો અને કેન્દ્રોની સાથે સામેલ થયું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીની પવિત્ર જન્મભૂમિ ખાતે ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશ્વભરના બિલિયનથી વધુ હિન્દુઓ માટે ઉજવણીની ઐતિહાસિક પળ હતી.

નીસ્ડન ટેમ્પલ નામે લોકપ્રિયતા ધરાવતા મંદિરમાં 20થી 22 જાન્યુઆરી સુધી સીતામાતા અને ભગવાન રામચંદ્રજીને અન્નકૂટ, ભગવાન રામચંદ્રજી અને અક્ષત કુંભની વિશેષ પૂજાવિધિઓ સહિત અનેક માંગલિક ઉત્સવોનું આયોજન કરાયું હતું. શનિવાર 20 જાન્યુઆરીએ વિશેષ ભજનસભા, વીડિયો પ્રેઝન્ટેશન્સ અને વિદ્વાન સ્વામી મહારાજોના ઉપદેશોના કાર્યક્રમમાં ભગવાન શ્રી રામચંદ્રજી ઉદાહરણીય જીવનને અંજલિ અપાઈ હતી. ભજનસભામાં ભાવિકો ભગવાન શ્રી રામ, સીતા માતા, હનુમાનજીની મૂર્તિઓ અને અક્ષતકુંભને રંગીન પાલખીયાત્રામાં લાવ્યા હતા અને તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.

શ્રી રામ મંદિર સાથે BAPSના સાત દાયકાના ઈતિહાસની યાદ તાજી કરાઈ હતી. પૂ. યોગીજી મહારાજે 1953માં સૌપ્રથમ અયોધ્યાની મુલાકાત લીધી હતી. પ્રમુખસ્વામી મહારાજે 1989માં પ્રથમ શ્રી રામ શિલાનું પૂજન કર્યું હતું. મહંત સ્વામી મહારાજે 2020માં શ્રી રામ મંદિરના શિલા ન્યાસ સમારંભ માટે પૂજા કરી હતી. BAPS દ્વારા નોંધપાત્ર દાન સાથે 2021માં અયોધ્યા મંદિર માટે સપોર્ટ કરાયો હતો.

મહંત સ્વામી મહારાજે હસ્તલિથિત હૃદયસ્પર્શી પત્રમાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે અભૂતપૂર્વ આનંદ વ્યક્ત કરી તમામ BAPS ભક્તોને દીવાળીની માફક જ ઘરમાં ભક્તિભાવ સાથે આ ઉત્સવ ઉજવવા અનુરોધ કર્યો હતો. વિવિધ હિન્દુ અને જૈન મંદિરો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ, અનેક નેતાઓ તેમજ સ્થાનિક સિવિક લીડર્સ આ ભવ્ય પ્રસંગે ઉજવણીમાં જોડાયા હતા.

યુકે અને યુરોપ માટે BAPSના વડા સ્વામી યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિર ખાતે ત્રણ દિવસની ઉજવણીઓ શ્રી રામચંદ્રજી ભગવાનના ઉદાહરણીય મૂલ્યો અને ઉપદેશોને યોગ્ય અંજલિ છે. આ પાઠો વર્તમાનમાં પણ ભારે મહત્ત્વ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter