BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન – લંડન ખાતે તા. ૨૮ માર્ચના રોજ ખૂબજ ધામધૂમપૂર્વક વિવિધ કલાત્મક નૃત્યો, નાટકો, કિરન સાથે શ્રી રામ નવમી મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવની શરૂઆત સવારથી થઇ હતી જેમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને તે પછી થાળ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે મંદિરના સંતમંડળ દ્વારા વિશેષ આરતી કરી ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ દિનની ઉજવણી કરવામાં અવી હતી. તો બીજી તરફ યુવાન હરિભક્તોએ વિવિધ વાજીંત્રોના સથવારે ભગવાન શ્રી રામ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્તુતી કરતા સુંદર ભક્તિગીતો રજુ કર્યાં હતાં.
સમી સાંજે મહોત્સવોની ઉજવણી કરવા મુખ્ય હોલમાં વિશેષ સભાનું આયોજન કરવામાં અવ્યું હતું. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના જીવન કવન આધારીત કાર્યક્રમ 'માળાના મણકા' રજૂ કરવામાં આવ્યો હતો અને ખૂબજ સુંદર કિર્તન પણ રજૂ થયા હતા. ભગવાન સ્વામિનારાયણના સમયકાળમાં લઇ જતા મનનીય અને સુંદર નાટકને રજૂ કરાયું હતું. આ પ્રસંગે યુવાનોએ સુંદર નૃત્યો કર્યા હતા અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાને હોલમાં લવાતા સમગ્ર વાતાવરણ ભક્તિસભર થઇ ગયું હતું.
સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પૂ. શ્રી સત્યવ્રત સ્વામી દ્વારા 'ગુજરાત સમાચાર'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલનું ફૂલમાળા પહેરાવીને ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. પ્રબુધ્ધમુની સ્વામીજીએ શ્રી સીબી પટેલ, તેમના પિતા તેમજ પરિવાર દ્વારા વર્ષો પૂર્વે સંસ્થા માટે કરાયેલી સેવાની યાદ તાજી કરી હતી અને મંદિર તેમજ સામાજીક ઉત્કર્ષ માટે 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ'ના યોગદાન અને સેવાકાર્યોની સરાહના કરી હતી.

