પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા રવિવાર 21 જૂને ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો વિશેષ યોગ સેશનમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં યોગ અને તેના લાભનો પ્રસાર કરવાના હેતુસર યુનાઈટેડ નેશન્સ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો.
GHSના સેન્ટર ખાતે વર્ષોથી યોગ ક્લાસીસ નિયમિતપણે ચલાવાય છે અને આ વર્ષે ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણીનો થીમ ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ છે. લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ તરીકે સેવા આપતાં ડો. શક્તિ કરુણાનિથિ સંચાલિત યોગ સેશનમાં આશરે 25 સભ્યોએ ભાગ લીધો હતો.
સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈ ટેઈલરે સેશનને ખુલ્લું મૂક્યું હતું અને ફાધર્સ ડે હોવાં છતાં, સેશનમાં હાજર રહેવા બદલ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે સેન્ટર ખાતે યોગના અમૂલ્ય વારસાને આગળ વધારવા બદલ ડો. શક્તિની પ્રશંસા કરી હતી. તેમણે શારીરિક ચુસ્તીની જાળવણી તેમજ સમગ્રતયા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને સુધારવામાં યોગ શ્રેષ્ઠ માર્ગ હોવાનું જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય, ડહાપણ અને વિશ્વશાંતિ તરફના માર્ગ તરીકે યોગને બિરદાવ્યો છે. એવી આશા છે કે આવનારા વર્ષો સુધી આ ઉજવણી ચાલતી રહેશે અને આરોગ્યપ્રદ અને સંતુલિત જીવનશૈલીના હિસ્સા સ્વરૂપે વધુ અને વધુ લોકો યોગને અપનાવવાની પ્રેરણા મેળવશે.


