GHS ભજન સંમેલનમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે £5,000નું ભંડોળ એકત્ર કરાયું

Wednesday 17th June 2026 07:10 EDT
 
 

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા તાજેતરમાં વાર્ષિક ભજન સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ભજનિકો અને સંગીતકારો સાથેના ભક્તિસંગીત કાર્યક્રમમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે 5000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. સોસાયટી દર વર્ષે સખાવતી ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજે છે અને આ વર્ષે પસંદગીપાત્ર ચેરિટી હૃદયરોગ અને સંબંધિત સ્થિતિઓથી અસરગ્રસ્ત લોકોને મહત્ત્વની સારસંભાળ, સંશોધન અને સપોર્ટ આપનારી સંસ્થા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન હતી.

ભજન સંમેલનમાં મંદિર પાછળની પ્રેરણા સમાન પૂજ્ય રામ ભક્તજીના શિષ્ય પૂજ્ય ભરત રામભક્તજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રામભક્તજીના આશીર્વાદ સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો અને સોસાયટીના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ સહુનું સ્વાગત કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન, ભક્તોએ સ્થાનિક ભજનિકો અને સંગીતકારો દ્વારા રજૂ કરાયેલા મધૂર ભજનોને માણ્યા હતા. આ કાર્યક્રમ ફેસબૂક પર જીવંત પ્રસારિત કરાયો હોવાથી દૂરસુદૂરના ભક્તોએ પણ તેમાં ભાગ લીધો હતો. પરફોર્મન્સીસની વચ્ચે દાતાઓની જાહેરાત કરવામાં આવી હતી અને ફંડરેઈઝિંગ પ્રયાસમાં સાથ-યોગદાન આપનારાને બિરદાવાયા હતા.

ચેરિટેબલ ઉદ્દેશ અને આધ્યાત્મિક મેળાવડાને કોમ્યુનિટીના મજબૂત સમર્થનના પ્રતીકરૂપે 400થી વધુ શ્રદ્ધાળુ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. વોલસાલ લેડીઝ મંડળના કોચ ગ્રૂપે પણ સંમેલનમાં ભાગ લીધો હતો. બાલકુંજ યુવા ગ્રૂપ માટે ખાસ 45 મિનિટ ફાળવવામાં આવી હતી, જેમાં બાળકોએ ભક્તિસંગીતમાં તેમની પ્રતિભા દર્શાવી હતી. ઉપસ્થિત તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા નિમેશભાઈ પરમાર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ સમાપન સંબોધનમાં પવિત્ર અધિક માસ દરમિયાન ઉદાર યોગદાન આપવા બદલ તેમજ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે 5000 પાઉન્ડના લક્ષ્યથી વધુ ભંડોળ એકત્ર કરવામાં સોસાયટીને મદદ કરવા બદલ સહુનો આભાર માન્યો હતો. તેમણે રસોઈ તૈયાર કરવામાં મહિલા રસોઈ ટીમનો તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં સમર્પણ અને સખત મહેનત કરવા બદલ વોલન્ટીઅર્સનો પણ આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter