IDUK દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણીનું આયોજન

Tuesday 16th January 2024 04:25 EST
 
 

લંડનઃ ભારતના અયોધ્યામાં સોમવાર 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ભારતવાસીઓની સાથોસાથ યુકેમાં પણ ભારતીય ડાયસ્પોરામાં હરખની હેલી અને રોમાંચ નજરે પડી રહ્યાં છે. ઈન્ડિયન ડાયસ્પોરા ઈન યુકે (IDUK) દ્વારા આ પ્રસંગે ભવ્ય ઉજવણીના આયોજનો જાહેર કરાયાં છે. સમગ્ર ભારતીય ડાયસ્પોરા સમુદાય અસાધારણ ઉત્સાહ સાથે આ ઐતિહાસિક દિનને સન્માનવા સજ્જ થઈ રહ્યો છે.

સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમમાં સંખ્યાબંધ મંદિરો, ભારતીય સમાજો અને સમુદાયો ભવ્ય ઉજવણીઓ માટે સક્રિય તૈયારી કરી રહ્યા છે જે દિવાળીની ઉજવણીઓની યાદ અપાવશે. હવામાં રોમાંચ અને ઉત્સાહ વ્યાપી રહ્યો છે અને લોકો ઝળહળતાં દીપક પ્રગટાવવા સહિત પરંપરાગત વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠાનો હિસ્સો બનવા સજ્જ થઈ રહ્યા છે. સમગ્ર યુકેમાં આ પ્રસંગની પવિત્રતા અને શુભતાના પ્રતીકરૂપે અક્ષત અને કળશની સમારંભવિધિઓનું સુવ્યવસ્થિત આયોજન કરાઈ રહ્યું છે.

યુકેના સૌથી પુરાણા મંદિરોમાં એક પ્રતિષ્ઠિત સ્લાઉ હિન્દુ મંદિર દ્વારા અભૂતપૂર્વ ઉજવણીનું આયોજન કરાયું છે. તેઓ સવારના સમયે અયોધ્યાથી આ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત ટેલિકાસ્ટ કરશે. 200થી વધુ કિલોગ્રામના લાડુ કાળજીપૂર્વક તૈયાર કરાઈ રહ્યા છે અને સાંજના 7 વાગ્યાની આરતી પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ દિવસે 4થી 5 હજાર ભાવિકો આનંદોત્સવમાં સામેલ થશે તેવી મંદિરની ધારણા છે.

IDUKના સહસ્થાપકો અને ડાયરેક્ટર્સ શ્રી હિર્દેશ ગુપ્તા, અજય મુરુડકર અને આલોક ગુપ્તાએ તેમનો રોમાંચ દર્શાવતા આ વાતાવરણને દિવાળીના ઉત્સવ સાથે સરખાવ્યું હતું. લોકો દૂર દૂરના સ્થળોએથી આવી રહ્યા છે અને ભાડે રાખેલા હોલ્સમાં ભજન સંધ્યા અને ઉજવણીનું આયોજન કરી રહ્યા છે. તેમણે આ ઉજવણીમાં ભાગ લેવા અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વમાં સહભાગી બનવા IDUKના વતી દરેકને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. આપણે બધા સામૂહિકપણે આ ઐતિહાસિક દિવસના સાક્ષી બની રહ્યા છીએ ત્યારે ભક્તિભાવના અને સહભાગી વારસામાં એકસંપ બની રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter